'ટીવી પર બેસીને સલાહ આપવી સરળ', ટીકાકારો પર વરસ્યા બાબર આઝમ, કપ્તાની છોડવા પર કહી મોટી વાત
પાકિસ્તાન ટૂર્નામેન્ટથી બહાર થવાની કગાર પર
મેચ પહેલા પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ ટીકાકારો પર વરસ્યા
pak vs eng match : પાકિસ્તાન ક્રિકેટ ટીમનું પ્રદર્શન આ વર્લ્ડ કપમાં સારું રહ્યું નથી. પાકિસ્તાન ટૂર્નામેન્ટથી બહાર થવાની કગાર પર છે. પાકિસ્તાનની ટીમ શનિવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ રમશે. સેમીફાઈનલમાં પહોંચવા માટે આ મેચમાં તેને મોટા અંતરથી જીત મેળવવાની છે. મેચ પહેલા પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ ટીકાકારો પર વરસ્યા. તેમણે કહ્યું કે, ટીવી પર બેસીને સલાહ આપવી તો સૌ માટે સરળ છે.
મોઈન ખાન અને શોએબ મલિક સહિત પૂર્વ કપ્તાનોને ખુલ્લી રીતે બાબર આઝમની કપ્તાનીની ટીકા કરી છે. આ પૂર્વ કપ્તાનોનું માનવું છે કે, કપ્તાનીના પ્રેશરે આઝમની બેટિંગને અસર ઉભું કર્યું છે. બાબરે ટીકાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ટીવી પર સલાહ આપવી ખુબ સરળ છે. જો કોઈ સલાહ આપવા માંગે છે તો મને સીધો કોલ કરવા માટે સ્વાગત છે. મારો નંબર સૌને ખબર છે.
મલિક અને મોઈને શું કહ્યું હતું?
મલિકે કહ્યું હતું કે, બાબર એક બેટ્સમેન તરીકે શાનદાર છે, પરંતુ એક કેપ્ટન તરીકે નહીં. ત્યારે, મોઈને કહ્યું હતું કે, બાબરને ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીથી શીખવું જોઈએ, જે કપ્તાની છોડ્યા બાદ હવે બેટિંગ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
બાબરે આપ્યો આવો જવાબ
બાબરે ટીકાકારોને જવાબ આપતા કહ્યું કે, તેમનું ફૉર્મ ક્યારેય પ્રભાવિત નથી થયું. પાકિસ્તાની કેપ્ટને કહ્યું કે, હું છેલ્લા ત્રણ વર્ષથી પોતાની ટીમની કપ્તાની કરી રહ્યો છું અને મને કંઈ એવું અનુભવાયું નથી. આ માત્ર એટલા માટે છે કારણ કે હું વર્લ્ડ કપમાં એવું પ્રદર્શન ન કરી શક્યો જેવું મારે કરવું જોઈતું હતું, એટલા માટે લોકો કહી રહ્યા છે કે, હું પ્રેશરમાં છું. મને નથી લાગતું કે હું આ કારણે કોઈ પ્રેશરમાં હતો કે મને કંઈ અલગ અનુભવાયું. હું ફિલ્ડિંગ દરમિયાન મેદાનમાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરતો રહું છું. બેટિંગ દરમિયાન વિચારું છું કે, મારે કેવી રીતે રન બનાવવા જોઈએ અને ટીમને જીત અપાવવી જોઈએ.
કેપ્ટનશીપને લઈને આપ્યું આવું નિવેદન
કેપ્ટનશીપથી હટાવવાની શક્યતા સહિત પાકિસ્તાની પત્રકારોના સવાલોનો સામનો કરતા બાબર સંયમિત રહ્યા. તેમણે કહ્યું, મને ખબર નથી તમે કયા નિર્ણય અંગે વાત કરી રહ્યા છો. ખેલાડીઓની પસંદગી સંબંધમાં અમે અહીં જે નિર્ણય લઈએ છીએ, તે કોચ અને કેપ્ટનનો નિર્ણય છે. અમે પરિસ્થિતિઓના હિસાબથી આયોજન કરીએ છીએ. ક્યારેક અમે સફળ થઈએ છીએ અને ક્યારેક અમે સફળ નથી થતા.
બાબરે કહ્યું કે, એકવાર જ્યારે અમે પાકિસ્તાન જઈશું કે આ મેચ બાદ અમે જોઈશું કે શું થાય છે, પરંતુ હાલ હું તેના પર ધ્યાન કેન્દ્રિત નથી કરી રહ્યો, મારું ધ્યાન આગામી મેચ પર છે.