કબડ્ડીને ઓલિમ્પિકમાં સામેલ કરવાનું અમારૂ લક્ષ્ય છે : ખેલ મંત્રી
- એશિયાના તમામ દેશોએ સાથે મળીને પ્રયાસ કરવો જોઈએ
- ખેલ મંત્રીએ ભારત, કોરિયા, મલેશિયાના કબડ્ડી કોચીસ સાથે વાતચીત કરી
નવી દિલ્હી, તા.૨૭
ભારતીય ખેલ મંત્રાલયનું લક્ષ્ય કબડ્ડીની રમતને ઓલિમ્પિકમાં સમાવવાનું છે. આ માટે એશિયાના અન્ય દેશોએ સાથે મળીને પ્રયાસ કરવો જોઈએ તેવો વિચાર ભારતીય ખેલ મંત્રી કિરણ રિજીજુએ વ્યક્ત કર્યો હતો. ખેલ મંત્રીએ ભારત, કોરિયા અને મલેશિયાના કબડ્ડી કોચીસની સાથે વિડિયો કોન્ફરન્સિંગથી વાતચીત કરી હતી.
રિજીજુએ જણાવ્યું કે, કબડ્ડીની રમતને એશિયન ગેમ્સમાં તો સ્થાન મળી જ ગયું છે. એશિયામાં મોટાપાયે કબડ્ડી રમાય છે અને તમામ દેશોએ આ રમતને હવે ઓલિમ્પિક સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરવાના છે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે દેશમાં કબડ્ડીના સ્તરને વધુને વધુ ઉંચું લાવવાની જરુર છે. વિશ્વમાં કબડ્ડીની રમતનો વ્યાપ વધે તે માટે પ્રયાસ કરવા જોઈએ.
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ જુદી-જુદી ૨૦ રમતોના કોચિસ માટે ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કર્યું હતુ. કિરણ રિજીજુએ દેશના ૭૦૦ જેટલા કબડ્ડી કોચિસની સાથે વાતચીત કરી હતી. આ કાર્યક્રમમાં કોરિયા અને મલેશિયા પણ જોડાયા હતા. હાલ લોકડાઉનમાં સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ૨૦ રમતોમાં આ પ્રકારના કોચીસ પ્રોગ્રામ કર્યા હતા, જેનો લાભ આશરે ૮ હજારથી વધુ કોચિસે લીધો હતો.