ક્રિકેટના ભગવાને આજના દિવસે કર્યો હતો કરિશ્મા: સદીની સદી ફટકારી સર્જ્યો હતો ઇતિહાસ
નવી દિલ્હી,તા. 16 માર્ચ 2024, શનિવાર
માર્ચ મહિનો ઇતિહાસમાં ક્રિકેટ સાથે જોડાયેલી ઘણી મોટી ઘટનાઓ સાથે નોંધાયેલો છે. 16 માર્ચ પણ ક્રિકેટ માટે આવો જ એક ઐતિહાસિક દિવસ છે. ભારતમાં ક્રિકેટને એક ધર્મ માનવામાં આવે છે અને સચિન તેંડુલકર ક્રિકેટ ચાહકો માટે ભગવાનથી ઓછા નથી.
16 માર્ચ, 2012 એ દિવસ છે જ્યારે સચિને એશિયા કપની મેચમાં બાંગ્લાદેશ સામે રમતી વખતે મીરપુરના શેર-એ-બંગાળ સ્ટેડિયમમાં સદી ફટકારીને અભૂતપૂર્વ રેકોર્ડ બનાવ્યો હતો.
આ સચિનની ODI ક્રિકેટમાં 49મી સદી હતી અને તે ટેસ્ટ ક્રિકેટમાં 51 સદી ફટકારી ચૂક્યા છે. આ રીતે માસ્ટર બ્લાસ્ટરે સદીની સદી પૂરી કરી. ભારત રત્નથી સન્માનિત સચિન તેંડુલકર આ રેકોર્ડ બનાવનારા વિશ્વના એકમાત્ર બેટ્સમેન છે.
હજી સુધી કોઈ આ મુકામ સુધી પહોંચી શક્યુ નથી. એ પણ વિચિત્ર સંયોગ છે કે ક્રિકેટની રમતમાં એક સમયે સૌથી ધીમી બેવડી સદી અને સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો ઈતિહાસ પણ 16મી માર્ચના નામે હતો. 1997માં વેસ્ટ ઈન્ડિઝના તોફાની બોલરોનો સામનો કરતી વખતે ભારતના ઓપનિંગ બેટ્સમેન નવજોત સિંહ સિદ્ધુએ ધીમી બેવડી સદી ફટકારી હતી.
સૌથી ઝડપી બેવડી સદી ન્યુઝીલેન્ડના નાથન એસ્ટલે 2002માં ઈંગ્લેન્ડ સામે 163 બોલમાં પૂરી કરી હતી. જો કે, સૌથી રસપ્રદ વાત એ છે કે સિદ્ધુ સૌથી ધીમી બેવડી સદી ફટકારીને પણ મેચના હીરો બન્યા હતા જ્યારે એસ્ટલ સૌથી ઝડપી બેવડી સદી ફટકારીને પણ પોતાની ટીમને હારથી બચાવી શક્યા નહોતા.
આ સિવાય ક્રિકેટના ઈતિહાસમાં 16 માર્ચનો દિવસ ખાસ માનવામાં આવે છે, જાણો તેની પાછળના કારણોઃ
1910: ઈફ્તિખાર અલી ખાન પટૌડીનો જન્મ. જે ભારત અને ઈંગ્લેન્ડ બંને માટે ક્રિકેટ રમ્યા હતા.
1997: નવજોત સિંહ સિદ્ધુએ વેસ્ટ ઈન્ડિઝ સામે રમતી વખતે તેની ટેસ્ટ કારકિર્દીની એકમાત્ર બેવડી સદી ફટકારી હતી. 673 મિનિટ સુધી બેટિંગ કરીને તેમણે 201 રનની ઇનિંગ ફટકારી હતી, જે તે સમયે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ધીમી બેવડી સદી તરીકે નોંધવામાં આવી હતી.
2002: ન્યૂઝીલેન્ડના નાથન એસ્ટલે ઈંગ્લેન્ડ સામે રમતી વખતે 163 બોલમાં બેવડી સદી ફટકારીને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો.