ગ્રુપમાં ભારત-પાક એશિયા કપ મેચ જોશે તો થશે રૂ. 5,000નો દંડ, વિદ્યાર્થીઓને આદેશ
- જો કોઈ ખાસ રૂમમાં વિદ્યાર્થીઓનું ટોળું મેચ જોતું પકડાશે તો જે વિદ્યાર્થીઓને તે રૂમ ફાળવવામાં આવેલો હશે તેમને સંસ્થાની હોસ્ટેલમાંથી કાઢી મુકવામાં આવશે
શ્રીનગર, તા. 28 ઓગષ્ટ 2022, રવિવાર
એશિયા કપમાં આજે સાંજે 7:30 કલાકે ભારત અને પાકિસ્તાનની ટક્કર જામવાની છે. બંને ટીમ જીત માટે તૈયારીઓ કરી રહી છે. ભારત પાસે શ્રેષ્ઠ ખેલાડીઓ છે પરંતુ સત્ય એ પણ છે કે તક માત્ર 11ને જ મળવાની છે. ત્યારે જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી (NIT)એ વિદ્યાર્થીઓને આજની ભારત-પાકિસ્તાન એશિયા કપની ક્રિકેટ મેચ ગ્રુપમાં ન જોવા માટે આદેશ આપ્યો છે.
આ સાથે જ વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયામાં મેચ સાથે સંબંધિત કોઈ પોસ્ટ ન કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. ડીન ઓફ સ્ટુડેન્ટ્સ વેલફેર દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસમાં મેચના સમય દરમિયાન વિદ્યાર્થીઓને પોતાના રૂમમાં રહેવા માટે કહેવામાં આવેલું છે.
નોટિસમાં લખ્યું છે કે, 'વિદ્યાર્થીઓને ખબર છે કે, દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં વિવિધ દેશોની ક્રિકેટ સીરિઝ ચાલી રહી છે. વિદ્યાર્થીઓને નિર્દેશ આપવામાં આવે છે કે, તેઓ રમતને એક રમત તરીકે લે અને સંસ્થા કે હોસ્ટેલમાં કોઈ પણ પ્રકારની ગેરશિસ્ત ન સર્જે.'
ગ્રુપમાં મેચ જોવા પર દંડ
વિદ્યાર્થીઓને રવિવારની મેચ દરમિયાન પોતાના હોસ્ટેલ રૂમાં રહેવા અને અને અન્ય વિદ્યાર્થીઓના રૂમમાં ન જવા માટે કહેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને સમૂહમાં મેચ જોવા મંજૂરી ન હોવાનું કહેવામાં આવ્યું છે. એનઆઈટીની નોટિસમાં લખ્યું છે કે, જો કોઈ ખાસ રૂમમાં વિદ્યાર્થીઓનું ટોળું મેચ જોતું પકડાશે તો જે વિદ્યાર્થીઓને તે રૂમ ફાળવવામાં આવેલો હશે તેમને સંસ્થાની હોસ્ટેલમાંથી કાઢી મુકવામાં આવશે. સાથે જ ત્યાં હાજર તમામ વિદ્યાર્થીઓને ઓછામાં ઓછો 5,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
2016માં થયો હતો વિવાદ
હકીકતે 2016માં ટી-20 વર્લ્ડકપ સેમીફાઈનલ દરમિયાન વેસ્ટઈન્ડિઝ સામે ભારતની હાર બાદ બહારના અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે કેમ્પસમાં સંઘર્ષ થયો હતો. ત્યાર બાદ સંસ્થાને અનેક દિવસો સુધી બંધ રાખવી પડી હતી.
આ પણ વાંચોઃ Asia Cup 2022 IND vs PAK- ટીમ ઈન્ડિયા કયા પ્લેઇંગ ઈલેવનની સાથે ઉતરશે મેદાનમાં