છેલ્લી 16 ઇનિંગ્સમાં માત્ર 166 રન... રોહિત શર્માનો ફ્લોપ શૉ ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય
Rohit Sharma : ભારતે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે સીરિઝની પહેલી મેચ જીતીને શાનદાર શરૂઆત કરી હતી. બંને ટીમ વચ્ચેની પહેલી મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે 38.4 ઓવરમાં 4 વિકેટથી મેચ જીતી લીધી હતી. ભારતે આ મેચ તો જીતી લીધી છે. પરંતુ ટીમ મેનેજમેન્ટ પર વધુ એક ટેન્શન કેપ્ટન રોહિત શર્માનું ખરાબ પ્રદર્શન છે. રોહિત સતત ફ્લોપ સાબિત થઈ રહ્યો છે. તેનું બેટ એકદમ શાંત થઇ ગયું છે.
રોહિતનું ખરાબ ફોર્મ ટીમ માટે ચિંતાનું કારણ
આ મેચમાં કેપ્ટન રોહિત શર્મા 7 બોલ રમીને માત્ર 2 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. પાકિસ્તાન મૂળનો ઇંગ્લેન્ડનો ઝડપી બોલર સાકિબ મહમૂદે રોહિતને પોતાની ઇનસ્વિંગર બોલમાં ફસાવીને તેને કેચ આઉટ કરી દીધો હતો. ભારતીય ટીમને ઇંગ્લેન્ડ સામે વનડે સીરિઝ બાદ આ જ ફોર્મમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમવાની છે. એવામાં રોહિતનું ખરાબ ફોર્મ બધા માટે ચિંતાનું કારણ બની ગયું છે.
છેલ્લી 16 ઇનિંગમાં માત્ર 166 રન
રોહિત પાસે હજુ પણ આ સીરિઝમાં 2 વનડે રમવાની બાકી છે. જેમાં તે વાપસી કરી શકે છે. છેલ્લી કેટલીક ઇનિંગ્સમાં તેનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. રોહિતે ત્રણેય ફોર્મેટમાં છેલ્લી 16 ઇનિંગ્સમાં માત્ર 166 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની સરેરાશ 10.37 રહી હતી. આ 16 ઇનિંગ્સમાં રોહિતનો સ્કોર અનુક્રમે 6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10, 3, 9, 2 રહ્યો હતો. આ દરમિયાન તે માત્ર એક અડધી સદી કરી શક્યો હતો. આ 16 ઇનિંગ્સમાં માત્ર બે વખત જ તે 20થી વધુ રન બનાવી શક્યો હતો.
ઈંગ્લેન્ડે આપ્યો હતો 249 રનનો ટાર્ગેટ
આ મેચમાં ઈંગ્લેન્ડે ટૉસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. ઈંગ્લેન્ડની ટીમે શરૂઆતમાં શાનદાર પ્રદર્શન કર્યું, કારણ કે પહેલી 8 ઓવરમાં ફિલ સૉલ્ટ અને બન ડકેટે 71 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઈંગ્લેન્ડ ટીમ કોઈ મોટી પાર્ટનરશીપ કરી નથી શકી. જોસ બટલર અને જૈકબ બૈથેલે જરૂર અડધી સદી ફટકારી, પરંતુ જો રૂટ અને હેરી બ્રૂક સહિત અન્ય તમામ બેટર મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા અને આખી ટીમ જ 248 રનમાં આઉટ થઈ ગઈ.