આજના દિવસે યુવરાજસિંહે ડરબનમાં રચ્યો હતો ઇતિહાસ, ‘સિક્સર કિંગ’નુ મેળવ્યુ હતુ બિરુદ

વર્ષ 2007માં પ્રથમ T20 વર્લ્ડ કપની ટ્રોફી ભારતીય ટીમે પોતાના નામે કરી હતી

યુવરાજ સિંહ અને એન્ડ્ર્યુ ફ્લિન્ટોફ વચ્ચે મેદાનમાં બોલાચાલી થઇ હતી

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News
આજના દિવસે યુવરાજસિંહે ડરબનમાં રચ્યો હતો ઇતિહાસ, ‘સિક્સર કિંગ’નુ મેળવ્યુ હતુ બિરુદ 1 - image
Image:File Photo

ક્રિકેટમાં ક્યારે શું થઇ જાય તે કહેવું ખુબ જ મુશ્કેલ છે એટલા માટે જ તેને અનિશ્ચિતતાઓની રમત કહેવામાં આવે છે. વર્ષ 2007માં પ્રથમ વખત T20 વર્લ્ડ કપ રમાઈ હતી ત્યારે ભારતીય ટીમને તેના પ્રબળ દાવેદાર તરીકે કોઈએ વિચાર્યું ન હતું. ધોનીના નેતૃત્વ હેઠળ યુવા ભારતીય ટીમે બધાને ખોટા સાબિત કર્યા અને પ્રથમ T20 વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરી હતી. આ ટૂર્નામેન્ટમાં ફાઇનલમાં પાકિસ્તાન સામેની ભારતની જીત સિવાય એક વધુ પલ જે ક્રિકેટ ચાહકો માટે યાદગાર હતી તે હતી યુવરાજ સિંહે ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં સતત 6 છગ્ગા ફટકાર્યા, જેને આજે તેને 16 વર્ષ પૂરા થઇ ચુક્યા છે.

મેદાનમાં યુવરાજ અને એન્ડ્ર્યુ ફ્લિન્ટોફ વચ્ચે બોલાચાલી થઇ હતી

યુવરાજ સિંહબી ગણતરી વર્લ્ડ ક્રિકેટમાં એક મેચ વિનર ખેલાડી તરીકે થાય છે. જેનું ઉદાહરણ પ્રથમ T20 વર્લ્ડ કપમાં જોવા મળ્યું હતું. ઇંગ્લેન્ડ સામેની આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 17મી ઓવર સુધીમાં 3 વિકેટના નુકસાને 155 રન બનાવી લીધા હતા. ત્યાર પછી ઇંગ્લેન્ડ તરફથી 18મી ઓવર ફેંકવા એન્ડ્ર્યુ ફ્લિન્ટોફ આવ્યો ત્યારે ધોની અને યુવરાજ રમી રહ્યા હતા. ફ્લિન્ટોફે તેની આ ઓવરમાં 12 રન આપ્યા હતા પરંતુ તેની ઓવર પુરી કર્યા બાદ તેની યુવરાજ સિંહ સાથે અથડામણ થઈ હતી અને મેદાન પર બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.

ઈંગ્લેન્ડે ઈનિંગની 19મી ઓવરની જવાબદારી સ્ટુઅર્ટ બ્રોડને આપી

ફ્લિન્ટોફે તે સમયે કલ્પના પણ નહીં કરી હોય કે યુવરાજ સાથેની આ ટક્કર તેની ટીમ માટે કેટલી મોંઘી પડશે. ઈંગ્લેન્ડે ઈનિંગની 19મી ઓવરની જવાબદારી યુવા ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડને આપી હતી. આ ઓવરના પહેલા બોલ પર યુવરાજે મિડવિકેટ તરફ છગ્ગો ફટકાર્યો હતો. બીજા બોલમાં સ્કેવર લેગ તરફ ફ્લિક કરતા છગ્ગો ફટકાર્યો જયારે ત્રીજા બોલ પર ઓફ સાઈડ પર છગ્ગો ફટકાર્યો હતો. ઓવરની શરૂઆતના ત્રણ બોલ પર છગ્ગા પડવાથી સ્ટુઅર્ટ પ્રેશરમાં આવી ગયો હતો. જેના કારણે તેણે ચોથો બોલ ફૂલટોસ ફેંક્યો જેના પર યુવરાજે આસાનીથી છગ્ગો લગાવી દીધો હતો. હવે સ્ટેડિયમમાં બેઠેલા તમામ લોકોની નજર પાંચમાં બોલ પર હતી અને યુવરાજે તે બોલ પર મિડવિકેટ તરફ છગ્ગો ફટકાર્યો હતો.

6 બોલમાં 6 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ

છેલ્લા બોલ પર ભારતીય ટીમના ડગ આઉટમાં બેઠેલા મોટાભાગના ખેલાડી ઉભા થઇને આતુરતાથી જોઈ રહ્યા હતા કે શું આજે યુવરાજ સતત 6 છગ્ગા ફટકારવામાં સફળ થશે. યુવરાજે બ્રોડની ઓવરના છેલ્લા બોલ પર વાઈડ મિડ ઓન તરફ છગ્ગો ફટકારતાની સાથે જ 6 બોલમાં 6 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે  કર્યો હતો. આ સાથે જ તેણે માત્ર 12 બોલમાં ફિફ્ટી ફટકારી હતી જે આજે પણ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કોઈપણ ફોર્મેટમાં સૌથી ઝડપી આ આંકડા સુધી પહોંચવાના મામલે એક વર્લ્ડ રેકોર્ડ છે.  યુવરાજની 16 બોલમાં 58 રનની ઈનિંગના આધારે ભારત 20 ઓવરમાં 218 રન બનાવી શક્યું હતું. ભારતીય ટીમે આ મેચ 18 રને જીતી લીધી હતી.


Google NewsGoogle News