VIDEO : અનિલ કુંબલે માટે આજનો દિવસ ખાસ, એકલા આખી પાકિસ્તાન ટીમને કરી હતી આઉટ
ભારતે પાકિસ્તાન સામેની બે મેચની ટેસ્ટ સીરિઝ 1-1થી ડ્રો કરી હતી
image:Social Media |
Anil Kumble Took All 10 Wickets Against Pakistan : ભારતીય ક્રિકેટ માટે 7 ફેબ્રુઆરીનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે. આ દિવસ અનિલ કુંબલે માટે એવો દિવસ છે જેને તે ક્યારેય ભૂલી શકશે નહીં. 25 વર્ષ પહેલા 7 ફેબ્રુઆરી 1999ના રોજ અનિલ કુંબલે પોતાના દેશ માટે એક ટેસ્ટ ઇનિંગ્સમાં 10 વિકેટ લેનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. કુંબલેએ નવી દિલ્હીના ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન સામેની 2 મેચની ટેસ્ટ સીરિઝની બીજી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.
ઇંગ્લેન્ડના જિમ લેકર પછી કુંબલે આ આ સિદ્ધિ મેળવનાર બીજો બોલર બન્યો
જુલાઇ 1956માં ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર ખાતે ઓસ્ટ્રેલિયા સામે 10 વિકેટ લેનાર ઇંગ્લેન્ડના જિમ લેકર પછી કુંબલે આ આ સિદ્ધિ મેળવનાર બીજો બોલર બન્યો હતો. લેકર અને કુંબલે ઉપરાંત ન્યુઝીલેન્ડના એજાઝ પટેલે પણ એક ઇનિંગ્સમાં 10 વિકેટ લેવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. પટેલે ડિસેમ્બર 2021માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત સામે બ્લેક કેપ્સ ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી.
ચેન્નઈમાં પ્રથમ ટેસ્ટ મેચ 12 રને હાર્યું હતું ભારત
ભારતીય ટીમ ચેન્નઈમાં પ્રથમ ટેસ્ટ મેચ 12 રને હાર્યા બાદ દબાણમાં હતી. આવી સ્થિતિમાં ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાનના ઘાતક બોલિંગ એટેક સામે ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 252 રન જ બનાવી શકી હતી. જો કે આ પછી ભારતીય બોલરોએ પણ શાનદાર બોલિંગ કરી અને અનુભવી ખેલાડીઓથી સજ્જ પાકિસ્તાની ટીમને પ્રથમ ઇનિંગમાં માત્ર 172 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. આ રીતે ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં સારી લીડ મેળવી હતી.
પાકિસ્તાને એકપણ વિકેટ ગુમાવ્યા વિના 100 રનનો આંકડો પાર કરી લીધો
બીજી ઇનિંગમાં ભારતીય બેટરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. દિલ્હી ટેસ્ટની બીજી ઇનિંગમાં ભારતીય ટીમે 339 રન બનાવ્યા અને આ રીતે પાકિસ્તાનને 420 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો. ભારતે આપેલા 420 રનના ટાર્ગેટના જવાબમાં પાકિસ્તાને એકપણ વિકેટ ગુમાવ્યા વિના 100 રનનો આંકડો પાર કરી લીધો હતો.
કુંબલેના ટેસ્ટ કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન
એક સમયે ચોથી ઇનિંગમાં પાકિસ્તાનનો સ્કોર કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના 101 રન હતો. એવું લાગી રહ્યું હતું કે પાકિસ્તાનની ટીમ ટાર્ગેટ હાંસલ કરી લેશે, પરંતુ ત્યારબાદ 101ના કુલ સ્કોર પર અનિલ કુંબલેએ પાકિસ્તાનને પહેલો ઝટકો આપ્યો અને પછી થોડી જ વારમાં કુંબલેની જાદુઈ સ્પિન સામે પાકિસ્તાની બેટર્સ ટકી શક્યા નહીં. પહેલી વિકેટ 101 રને પડી અને પાકિસ્તાનની આખી ટીમ 207 રનમાં આઉટ થઈ ગઈ. આ રીતે ભારતીય ટીમે આ ટેસ્ટ મેચ 212 રને જીતી લીધી હતી. જ્યારે અનિલ કુંબલેએ 26.3 ઓવરમાં 74 રન આપીને 10 વિકેટ ઝડપીને તેના ટેસ્ટ કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.