દિગ્ગજ ક્રિકેટરના ફેન્સ પર તૂટી પડી ભીડ, લાકડીઓ વડે માર્યો, પ્રતિંબધના વિરોધમાં દેખાવ કરી રહ્યો હતો
Shakib Al Hasan Fan Attacked : બાંગ્લાદેશનો દિગ્ગજ ક્રિકેટર શાકિબ અલ હસન હવે તેની કારકિર્દીના અંતિમ તબક્કામાં છે. શાકિબ દક્ષિણ આફ્રિકા સામે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમશે. આ પછી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેશે.
દેશમાં ન પ્રવેશવાની અપાઈ સલાહ
છેલ્લી ટેસ્ટ મેચ રમવા માટે પોતાને ટીમમાં સામેલ કરવા શાકિબે બાંગ્લાદેશ ક્રિકેટને વિનંતી કરી હતી. તો બીજી તરફ બાંગ્લાદેશ સરકારે સુરક્ષાના કારણોસર તેમને દેશમાં પ્રવેશ ન કરવાની સલાહ આપી હતી. મીડિયા અહેવાલો અનુસાર, રવિવારે ઢાકામાં કડક સુરક્ષા વચ્ચે વિરોધ પ્રદર્શન દરમિયાન લોકોના એક જૂથે શાકિબ અલ હસનના ચાહકો પર હુમલો કર્યો હતો.
શાકિબને લઈને પ્રદર્શન કરી રહ્યા છે ચાહકો
શાકિબ પર બાંગ્લાદેશમાં પોતાની છેલ્લી ટેસ્ટ મેચમાં રમવા પર લાગેલા પ્રતિબંધના વિરોધમાં ચાહકો ઘણાં દિવસોથી મીરપુરના ક્રિકેટ સ્ટેડિયમની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. રવિવારે અચાનક કેટલાક લોકોએ તેમના પર લાકડી અને ડંડાઓ વડે હુમલો કર્યો. તે સમયે ત્યાં હાજર સેનાએ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. હકીકતમાં છેલ્લા કેટલાક મહિનાઓ પહેલા બાંગ્લાદેશમાં હિંસા થઈ હતી. ત્યારે વડા પ્રધાન શેખ હસીના દેશ છોડીને ભાગી ગયા હતા અને બાંગ્લાદેશમાં સેનાનું શાસન આવી ગયું હતું.
આ પણ વાંચો : વીરુના આ ગુરુ મંત્રને ફોલો કરે તો પાકિસ્તાનનો આ દિગ્ગજ ટીમમાં કરી શકશે વાપસી
શેખ હસીનાની પાર્ટીનો સાંસદ છે શાકિબ
બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં 600 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ હિંસામાં શાકિબ અલ હસન પર એક વ્યક્તિની હત્યા કરવાનો આરોપ હતો. જેને લઈને લોકોએ શાકિબને ક્રિકેટ ટીમમાંથી બહાર કરવાની માંગ ઉઠાવી હતી. અહીં તમને જણાવી દઈએ કે સાકિબ શેખ હસીનાની પાર્ટીનો સાંસદ હતો. તે વર્ષ 2023માં અવામી લીગ પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાયો હતો. તેણે વર્ષ 2024 બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીમાં મગુરા-1 સંસદીય બેઠક પરથી ચૂંટણી લડવા માટે અવામી લીગના ઉમેદવાર તરીકે નોમિનેશન ફાઇલ કર્યું હતું. જેમાં તેને જીત મેળવી હતી.