ઍવોર્ડ માટે ભીખ માંગવી પડે તો ઓલિમ્પિકમાં મેડલ જીતવાનો શું અર્થ? સરકાર પર ભડક્યા મનુ ભાકરના પિતા
Manu Bhaker father Ram Kishan Bhaker lash out : ભારતની સ્ટાર શૂટર મનુ ભાકર કે જેણે પેરિસ ઓલિમ્પિકસમાં બે મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું હતું. હવે તેને દેશના સૌથી મોટા 'મેજર ધ્યાનચંદ ખેલ રત્ન' રમતગમત એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી નથી. જેને લઈને મનુના પિતા રામ કિશન ભાકર નારાજ થુઈ ગયા હતા. તેમણે આ અંગે સરકારને ફટકાર પણ લગાવી હતી.
એક જ ઓલિમ્પિકસમાં બે મેડલ જીતનારી મનુ પહેલી ભારતીય ખેલાડી
પેરિસ ઓલિમ્પિકસમાં ભારત માટે બે મેડલ જીતીનાર મનુ ભાકર આઝાદી પછી એક જ ઓલિમ્પિકસમાં બે મેડલ જીતનારી પહેલી ભારતીય ખેલાડી છે. તેણીએ 10 મીટર એર પિસ્તોલ અને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે મહિલાઓની 25 મીટર પિસ્તોલમાં તેણે ચોથું સ્થાન મેળવ્યું હતું. પરંતુ તેમ છતાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ વી. રામાસુબ્રમણ્યમની અધ્યક્ષતાવાળી 12 સભ્યોની પસંદગી સમિતિએ ખેલ રત્ન એવોર્ડ માટે તેના નામની ભલામણ કરી ન હતી. જેને લઈને કારણે તેના પિતા નિરાશ છે.
શું કહ્યું મનુ ભાકરના પિતાએ?
મનુના પિતાનું કહેવું છે કે, 'જો તમારે એવોર્ડ માટે ભીખ માંગવી જ હોય તો એક જ ઓલિમ્પિકસમાં બે મેડલ જીતવાનો શું ફાયદો? એક સરકારી અધિકારી નિર્ણય લઈ રહ્યા છે અને સમિતિના સભ્યો મૌન છે અને પોતાનો અભિપ્રાય આપી રહ્યા નથી. મને સમજાતું નથી આ શું થઇ રહ્યું છે. અમે એવોર્ડ માટે અરજી કરી હતી. પરંતુ સમિતિ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. શું તમે આ રીતે એથ્લીટને પ્રોત્સાહિત કરી રહ્યા છો? માતા-પિતા તેમના બાળકોને ભવિષ્યમાં રમવા માટે પ્રોત્સાહિત કરતા હોય છે.'
આ ખેલાડી માટે સમિતિએ ભલામણ કરી
મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ માટે ભારતના હોકીના સ્ટાર ડ્રેગ ફ્લિકર હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લીટ પ્રવીણ કુમારના નામની ભલામણ કરવામાં આવી છે. હરમનપ્રીતની કેપ્ટનશીપ હેઠળ ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકસમાં સતત બીજી વખત બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.