2012 અને 2016 બાદ ફરી T20 વર્લ્ડકપ જીતી આ ટીમ રચી શકે છે ઈતિહાસ, દિગ્ગજ એથ્લેટની ભવિષ્યવાણી
ICC T20 World cup: લેજન્ડ એથ્લેટ અને દોડવીર યુસેન બોલ્ટે T-20 વર્લ્ડ કપમાં જ્યાં ભારત પાકિસ્તાન સહિતની મહત્ત્વની મેચો રમાનાર છે તે ન્યુયોર્કના નાસાઉ સ્ટેડિયમ, આઈઝન હોવરપાર્કની મુલાકાત લીધી હતી ત્યારે તેનો એપિકબની ચૂકેલો પોઝ આપ્યો હતો.
બોલ્ટની હાજરીમાં સ્ટેડિયમ ખુલ્લુ મુકાયું
100 મીટર અને 200 મીટર દોડમાં વર્લ્ડ રેકોર્ડ ધરાવતો જમૈકાનો બોલ્ટ T-20 વર્લ્ડ કપનો આઈસીસી પ્રમોટર તરીકે નિયુક્ત કરાયો છે. આયોજકોએ સૌ પ્રથમ વખત 34,000 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ બોલ્ટની હાજરીમાં એક નાના કાર્યક્રમ દ્વારા ખુલ્લુ મૂક્યું હતું. બોલ્ટે કહ્યું હતું કે, 'મારા મતે વેસ્ટ ઇન્ડિઝ T-20 વર્લ્ડ કપ જીતવા માટે ફેવરિટ છે.' બોલ્ટ પોતે ક્રિકેટનો ગાઢ પ્રેમી છે અને અગાઉ એક મુલાકાતમાં તેણે કહ્યું હતું કે, 'જો તે એથ્લેટ ન હોત તો ક્રિકેટર બન્યો હોત અને વેસ્ટ ઈન્ડિઝ તરફથી રમતો હોત.'
વેસ્ટ ઈન્ડિઝ હેટ્રિક સર્જશે : બોલ્ટ
આ ઉપરાંત બોલ્ટે કહ્યું કે, '1975 અને 1979મા વેસ્ટ ઈન્ડિઝ વન-ડેમાં ચેમ્પિયન બન્યું તે પછી કેટલાક વર્ષો નિરાશાજનક રહ્યા પણ 2012 અને 2016માં એમ વેસ્ટ ઈન્ડિઝ બે વખતના T-20માં વર્લ્ડ ચેમ્પિયન બની ચૂક્યું છે અને આ વખતની ટીમ જોતાં એવું લાગે છે કે, વેસ્ટ ઈન્ડિઝ હેટ્રિક સર્જશે. ગત જાન્યુઆરીમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 27 વર્ષ પછી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચ જીતી હતી તે જ બતાવે છે કે, વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ફરી યોગ્ય ટ્રેક પર આવી રહ્યું છે.'
નવમી જૂને ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર
લેજન્ડ એથ્લેટે વધુમાં જણાવતા કહ્યું કે, 'અમેરિકાના ચાહકો આમ તો બાસ્કેટ બોલ, બેઝબોલ અને અમેરિકન ફૂટબોલ પરત્વે જ ક્રેઝ ધરાવે છે પણ આ T-20 વર્લ્ડ કપથી તેઓને ક્રિકેટમાં પણ દિલચશ્પી વધશે.' ન્યુયોર્કમાં 3 જૂને શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ રમાશે જો કે ક્રિકેટ વિશ્વનું આકર્ષણ 9 જૂને આ ગ્રાઉન્ડ ઉપર રમાનાર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હશે.