ક્રિકેટ જગતને મોટો ઝટકો, સૌથી વધુ વયના ટેસ્ટ ક્રિકેટર રોન ડ્રેપરનું 98 વર્ષે નિધન
Ron Draper Pass Away: સૌથી વૃદ્ધ જીવિત ટેસ્ટ ક્રિકેટર રોન ડ્રેપરનું 98 વર્ષની વયે નિધન થયું છે. રોન ડ્રેપર ટોપ ઓર્ડરનો બેટ્સમેન હતા અને ક્યારેક વિકેટકીપિંગ પણ કરતા હતા.ડ્રેપરે પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર દરમિયાન ફક્ત 2 ટેસ્ટ મેચ રમી હતી. આ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમાઈ હતી અને તેઓ ફક્ત 25 રન જ બનાવી શક્યા હતા.
રોન ડ્રેપર અત્યાર સુધી જીવિત રહેલા સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર હતા
અહેવાલો અનુસાર, રોન ડ્રેપર અત્યાર સુધી જીવિત રહેલા સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર હતા. આ પહેલા પણ દક્ષિણ આફ્રિકાના જ બે ખેલાડીઓ સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર રહ્યા હતા નોર્મન ગોર્ડન, જેમનું 2016માં 103 વર્ષની વયે નિધન થયું હતું. જ્યારે જોન વોટકિન્સ, જેમનું 2021માં 98 વર્ષની વયે નિધન થયું. હવે આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નીલ હાર્વેના નામે થઈ ગયો છે, હાલ હાર્વેની વય 96 વર્ષ અને 144 દિવસ છે.
રોન ડ્રેપરે ભલે ફક્ત 2 ટેસ્ટ મેચ રમી હોય, પરંતુ તેઓ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ઇતિહાસમાં મહત્વનો હિસ્સો રહ્યા છે. 24મી ડિસેમ્બર 1926ના રોજ જન્મેલા ડ્રેપરે ફક્ત 19 વર્ષની ઉંમરે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે ઓરેન્જ ફ્રી સ્ટેટ સામે ઈસ્ટર્ન પ્રોવિન્સ માટે પોતાની પહેલી ફર્સ્ટ-ક્લાસ મેચ રમી હતી. 1950ના દાયકામાં તેઓ ઓસ્ટ્રેલિયા સામે આંતરરાષ્ટ્રીય ટેસ્ટમાં પ્રવેશ્યા હતા.