Get The App

રોહિત શર્માને 'જાડિયો' કહેતા કોંગ્રેસ-ભાજપના નેતા વચ્ચે વાકયુદ્ધ, બોડી શેમિંગનો મુદ્દો ઉછળ્યો

Updated: Mar 3rd, 2025


Google News
Google News
રોહિત શર્માને 'જાડિયો' કહેતા કોંગ્રેસ-ભાજપના નેતા વચ્ચે વાકયુદ્ધ, બોડી શેમિંગનો મુદ્દો ઉછળ્યો 1 - image


Image: Facebook

Rohit Sharma Body Shaming Issue: ભાજપના નેતા રાધિકા ખેડાએ કોંગ્રેસ પ્રવક્તા પર નિશાન સાધ્યું છે. આ સાથે તેમણે સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને જયરામ રમેશને પણ ટેગ કરતાં નિશાન સાધ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદે સોશિયલ મીડિયા પર રોહિત શર્માને ટેગ કરતાં તેના હેલ્થને લઈને અમુક વાતો કરી હતી. આ કમેન્ટને લઈને ભાજપ નેતાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં છે.

ભાજપ નેતા રાધિકા ખેડાએ કહ્યું, 'કોંગ્રેસ પ્રવક્તાએ રોહિત શર્માનું બોડી શેમિંગ કર્યું, જે દુ:સાહસ છે. આ તે કોંગ્રેસ છે, જેણે દાયકા સુધી એથલીટ્સને અપમાનિત કર્યા, તેમને ઓળખ આપી નહીં અને હવે એક ક્રિકેટ દિગ્ગજની મજાક ઉડાવવાની હિંમત કરી રહી છે? ભાઈ-ભત્રીજાવાદ પર પલનારી પાર્ટી એક સેલ્ફ-મેડ ચેમ્પિયનને ઉપદેશ આપી રહી છે?

આ પણ વાંચો: VIDEO: કિંગ કોહલીએ મેદાનમાં અક્ષર પટેલના ચરણસ્પર્શ કર્યા! તમામ દર્શકો જોતા જ રહી ગયા

રોહિત શર્મા વર્લ્ડ કપ જીતનાર કેપ્ટન છે. તમારા નેતા, રાહુલ ગાંધી પોતાની પાર્ટીની કેપ્ટનશિપ પણ યોગ્યરીતે કરી શકતાં નથી! જયરામ રમેશ, તમારી ટીમ દ્વારા ભારતને ગૌરવ અપાવનાર વ્યક્તિનું અપમાન કરવાના બદલે, તમારે અને તમારા પ્રવક્તાઓએ તે વાસ્તવિક 'વજન' પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જે તમારી પાર્ટી ઘટાડી રહી છે. પ્રાસંગિકતા, વિશ્વસનીયતા અને ચૂંટણી! કોંગ્રેસે ભારતના ગૌરવ પર સસ્તો પ્રહાર કર્યા પહેલા પોતાના ડૂબતા વંશવાદની ચિંતા કરવી જોઈએ.'

કોંગ્રેસ પ્રવક્તાએ શું કહ્યું હતું?

કોંગ્રેસ પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, 'રોહિત એક ખેલાડી તરીકે જાડિયો છે. વજન ઘટાડવાની જરૂર છે. અને હાં, ભારતનો અત્યાર સુધીનો સૌથી નિરાશાજનક કેપ્ટન.'

કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ કહ્યું કે 'પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદે ક્રિકેટના એક દિગ્ગજ ખેલાડીને લઈને અમુક નિવેદન આપ્યા હતાં જે પાર્ટીના વલણ સાથે મેળ ખાતાં નથી. તેમને સોશિલ મીડિયા પ્લેટફોર્મથી તે ટ્વિટને ડિલીટ કરવા માટે કહેવામાં આવ્યું છે અને ભવિષ્યમાં સતર્ક રહેવાની સલાહ આપી છે. કોંગ્રેસ પાર્ટી રમત જગતના ખેલાડીઓના યોગદાનને ખૂબ મહત્ત્વ આપે છે અને આવી કોઈ નિવેદનબાજીનું સમર્થન કરતી નથી જેનાથી તેની છબી પર પ્રભાવ પડે.'

વિવાદે રાજકીય રૂપ લીધું

કોંગ્રેસના નેતા દ્વારા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માના વજનને લઈને કરવામાં આવેલી ટિપ્પણી પર હોબાળો થઈ ગયો છે. લોકોએ કોંગ્રેસ નેતાને આડે હાથ લીધા છે. વિવાદ વધતો જોઈને કોંગ્રેસ નેતાએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને ડિલીટ કરી દીધી. જોકે વિવાદે હવે રાજકીય રંગ લઈ લીધો છે અને ભાજપે સમગ્ર કોંગ્રેસને જ નિશાને લઈ લીધી છે. આ દરમિયાન ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે.

ભાજપ પ્રવક્તા પ્રદીપ ભંડારીએ લખ્યું કે 'કોંગ્રેસ હવે ઈચ્છે છે કે રાહુલ ગાંધી ક્રિકેટ રમે. કોંગ્રેસને શરમ આવવી જોઈએ. હવે તે ભારતીય ક્રિકેટ ટીમ પર નિશાન સાધી રહી છે. શું તે ઈચ્છે છે કે રાજકારણમાં નિષ્ફળ રહ્યા બાદ હવે રાહુલ ગાંધી ક્રિકેટ રમે.'


કોંગ્રેસ નેતાએ વિવાદ વધવા પર આપી સ્પષ્ટતા

કોંગ્રેસ નેતા ડૉ. શમા મોહમ્મદે વિવાદ વધવા પર પોતાની પોસ્ટને લઈને સ્પષ્ટતા આપી. તેમણે કહ્યું કે 'મારી ટ્વીટ એક ખેલાડીની ફિટનેસને લઈને સામાન્ય ટ્વિટ હતી. જેમાં કોઈના મેદસ્વીપણાને મજાક બનાવવામાં આવ્યું નથી. મારું હંમેશાથી માનવું રહ્યું છે કે ખેલાડીએ ફિટ હોવું જોઈએ અને મને લાગે છે કે રોહિત શર્મા થોડા જાડિયા છે. તો મે આ વિશે ટ્વિટ કરી દીધી. મારી ઉપર કારણ વિના નિશાન સાધવામાં આવી રહ્યું છે. મે તેમની પૂર્વના કેપ્ટનો સાથે સરખામણી કરી અને આ મારો અધિકાર છે. આ કહેવામાં ખોટું શું છે? આ લોકતંત્ર છે.'


Tags :
CongressShama-MohamedBJPRadhika-KheraRohit-SharmaBody-Shaming

Google News
Google News