World Cup 2023 : 91 રનમાં 7 વિકેટ ગુમાવ્યા બાદ શું ચાલી રહ્યું હતું મનમાં, કમિન્સે મેચ બાદ કહી આ વાત
ગ્લેન મેક્સવેલે 128 બોલમાં 21 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 201 રન બનાવ્યા હતા
ગઈકાલે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે અફઘાનિસ્તાનને 3 વિકેટથી હરાવ્યું હતું
Image:IANS |
World Cup 2023 AUS vs AFG : ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે ગઈકાલે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે અફઘાનિસ્તાનને 3 વિકેટથી હરાવ્યું હતું. પરંતુ જયારે 91 રન પર વિકેટ પડી તો બેટિંગ માટે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ આવ્યો હતો. કમિન્સનો લક્ષ્ય જેમ-તેમ કરીને 200 રન સુધી પહોંચવાનો હતો, જેથી બાંગ્લાદેશ સામે ODI World Cup 2023ની અંતિમ મેચ પહેલા નેટ રનરેટ થોડી સારી રહે. પરંતુ મેકસવેલ કંઇક બીજું જ વિચારીને મેદાન પર ઊતર્યો હતો. તેણે 128 બોલમાં 201 રન ફટકારી ટીમને સેમિફાઈનલમાં પહોંચાડી હતી.
હું કોઈક રીતે 200 સુધી પહોંચવાનું વિચારી રહ્યો હતો - ઓસ્ટ્રેલિયન કેપ્ટન
ઓસ્ટ્રેલિયન ટીમ(Pat Cummins On Maxwell)ના કેપ્ટન પેટ કમિન્સે મેચ બાદ કહ્યું હતું કે, 'જ્યારે હું ક્રિઝ પર આવ્યો ત્યારે મારા મનમાં હતું કે કોઈક રીતે નેટ રન રેટ માટે 200 રન બનાવી લઈએ. જ્યારે મેક્સવેલ 100 રન પર પહોંચ્યો ત્યારે મને લાગ્યું કે અમારે વધુ 120 રન બનાવવા પડશે પરંતુ જીતનો વિચાર મારા મગજમાં નહોતો.' તેણે વધુમાં કહ્યું, 'મેક્સવેલ થોડો અલગ છે. તે હંમેશા જીતવા માટે રમે છે. હું કોઈક રીતે 200 સુધી પહોંચવાનું વિચારી રહ્યો હતો, પરંતુ તેણે મનમાં જીતવાની ધૂન બાંધી હતી.'
જ્યારે મેક્સવેલ ક્રિઝ પર હતો ત્યારે મારા માટે રન રેટ કોઈ મુદ્દો ન હતો - કમિન્સ
પેટ કમિન્સે આગળ કહ્યું કે, 'સ્પિનરોની ઓવર પછી જ્યારે લગભગ 40 રનની જરૂર હતી, ત્યારે મેં વિચાર્યું કે જો મેક્સવેલ અહીંથી આઉટ થઈ જાય તો પણ અમે જીતી શકીએ છીએ. મને આવું છેલ્લી 20 મિનિટમાં જ લાગ્યું હતું. જ્યારે મેક્સવેલ ક્રિઝ પર હતો ત્યારે મારા માટે રન રેટ કોઈ મુદ્દો ન હતો. આ સંપૂર્ણ વન મેન શો હતો અને તેણે જીતને સરળ બનાવી દીધી હતી. મેક્સવેલનો જમણો પગ મચકોડાઈ ગયો હતો અને અમને ઘણી વખત મેડિકલ ટાઈમ આઉટ લેવો પડ્યો હતો, પરંતુ આ બધું હોવા છતાં તેણે ટીમને જીત અપાવી.'