World Cup 2023 : આજે કીવી ટીમ માટે જીત જરૂરી, શ્રીલંકા સામે બંગલુરુમાં થશે ટક્કર

શ્રીલંકાની ટીમ 8માંથી 2 મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલ પર 9માં સ્થાને છે

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : આજે કીવી ટીમ માટે જીત જરૂરી, શ્રીલંકા સામે બંગલુરુમાં થશે ટક્કર 1 - image
Image:IANS

World Cup 2023 NZ vs SL : ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે આજે ODI World Cup 2023ની 41મી મેચ રમાનાર છે. આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બપોરે 2:00 વાગ્યાથી રમાશે. સેમિફાઈનલમાં ચોથી ટીમ કોણ હશે તેનો નિર્ણય આજે લગભગ થઇ જશે. જો ન્યુઝીલેન્ડ આજની મેચમાં મોટા અંતરથી જીત મેળવે છે તો તેનું સેમિફાઈનલ રમવું લગભગ નિશ્ચિત થઈ જશે. નાના માર્જિનથી જીત અથવા હાર તેને સેમિફાઇનલમાંથી બહાર કરી શકે છે. આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડની ટીમ શ્રીલંકા સામે મોટી જીત નોંધાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

શ્રીલંકા માટે આજે જીત જરૂરી

શ્રીલંકા માટે પણ આજની મેચ મહત્વપૂર્ણ રહેવાની છે. શ્રીલંકા સેમિફાઈનલની રેસમાંથી બહાર થઇ ચુક્યું છે પરંતુ જો તેણે ICC Champions Trophy 2025 માટે ક્વાલિફાઈ કરવું છે તો પોઈન્ટ્સ ટેબલ પર ટોપ-8માં રહેવું જરૂરી રહેશે. હાલ શ્રીલંકા 8માંથી 2 મેચ જીતીને 9માં સ્થાને છે. આજની મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. 

ચિન્નાસ્વામીની પિચ ફાસ્ટ બોલર્સ માટે વધુ અનુકુળ

ચિન્નાસ્વામીના મેદાન પર ફાસ્ટ બોલર વધુ સફળ રહ્યા છે. આ મેદાન પર સૌથી વધુ વિકેટ લેનાર ટોપ-5 બોલર્સમાં તમામ ફાસ્ટ બોલર્સ જ છે. સ્પિનર્સને આ મેદાન પર ઓછી મદદ મળે છે. નાની બાઉન્ડ્રીના કારણે અહીં બેટ્સમેનો સ્પિન બોલને સરળતાથી બાઉન્ડ્રી પાર મોકલી દે છે. આ સ્ટેડિયમમાં અત્યાર સુધી 29 વનડે મેચ રમાઈ છે. જેમાં 18 વખત 300થી વધુનો સ્કોર થયો છે. આ મેદાન પર ODI World Cup 2023ની ત્રણ મેચ રમાઈ છે. જેમાં બે વખત પ્રથમ બેટિંગ કરનાર ટીમને જીત મળી છે.

બેંગલુરુમાં આજે વરસાદ થવાની સંભાવના 90 ટકા

બેંગલુરુમાં આજે વરસાદની સંભાવના છે. મેચ દરમિયાન અહીં 2 કલાકથી વધુ સમય સુધી વરસાદ પડી શકે છે. જેથી આજે મેચ રદ્દ થવાની સંભાવના રહેશે. બેંગલુરુમાં આજે ભારે વરસાદ થવાની 90% સંભાવના છે. મેચ દરમિયાન મોટાભાગના સમય માટે વાદળછાયું રહેશે. આવી સ્થિતિમાં જો આ મેચ વરસાદના કારણે ધોવાઇ જાય છે તો તે ન્યુઝીલેન્ડ માટે આફત બની રહેશે. આવી સ્થિતિમાં પાકિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડ સામે જીત નોંધાવીને સરળતાથી સેમિફાઈનલમાં પહોંચી શકે છે.

ન્યુઝીલેન્ડમાં થઇ શકે છે ફેરફાર

ન્યુઝીલેન્ડની ટીમમાં ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન વાપસી કરી શકે છે. તેની સાથે કાઈલ જેમીસન પણ મેદાનમાં જોવા મળી શકે છે. કેન વિલિયમ્સન છેલ્લી મેચમાં ફરી ઈજાગ્રસ્ત થયો હતો પરંતુ આ મોટી મેચમાં ટીમ મેનેજમેન્ટ કોઈપણ ભોગે તેને મેદાનમાં જોવા માંગશે. બીજી તરફ શ્રીલંકાની ટીમમાં કોઈ ફેરફાર થવાની સંભાવના નથી.

બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન

ન્યુઝીલેન્ડ

કેન વિલિયમ્સન (C), ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, ડેરલ મિચેલ, ટોમ લાથમ (wkt), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિચેલ સેન્ટનર, ઈશ સોઢી/કાઈલ જેમીસન, ટ્રેન્ટ બોલ્ટ, ટિમ સાઉથી/લોકી ફર્ગ્યુસન

શ્રીલંકા

કુસલ મેન્ડિસ (C/wkt), પથુમ નિસાંકા, કુસલ પરેરા, સદીરા સમરવિક્રમા, ચરિથ અસલંકા, એન્જેલો મૈથ્યુઝ, ધનંજય ડી સિલ્વા, મહિશ તિક્ષના, કસુન રજીથા, દુષ્મંથા ચમીરા, દિલશાન મદુશંકા

World Cup 2023 : આજે કીવી ટીમ માટે જીત જરૂરી, શ્રીલંકા સામે બંગલુરુમાં થશે ટક્કર 2 - image


Google NewsGoogle News