4 ઈનિંગમાં 3 સદી ફટકારી: હવે શૂન્ય પર એવી રીતે આઉટ થયો કે ઉંઘમાં પણ નહિ ભૂલી શકે આ વિકેટ
નવી મુંબઇ,તા. 1 માર્ચ 2024,શુક્રવાર
છેલ્લા કેટલાક મહિનામાં ઘણા રન ફટકારનારા ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં ખૂબ જ નિરાશ થયા હતા. બે મેચની ટેસ્ટ શ્રેણીમાં રમવા આવેલી કીવી ટીમ પોતાના જ ઘરઆંગણે પ્રથમ દાવમાં ભારે નિરાશ થઈ હતી.
ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવમાં 383 રનમાં ઓલઆઉટ કર્યા બાદ કિવી ટીમ માત્ર 179 રન જ બનાવી શકી હતી. પ્રથમ દાવમાં સતત રન બનાવનાર કેન વિલિયમસન નિરાશાજનક રીતે આઉટ થયા બાદ પરત ફર્યો હતો.
સાઉથ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં સદી ફટકારનાર પૂર્વ કિવી કેપ્ટન ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચની પ્રથમ ઇનિંગ્સમાં ફ્લોપ રહ્યો હતો. વેલિંગ્ટનમાં ઓસ્ટ્રેલિયા સાથેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં કેન વિલિયમસન કમનસીબે આઉટ થયા હતા.
બીજા બોલ પર જ રન લેવાનો પ્રયાસ કરતી વખતે તે પોતાના જ સાથી સાથે અથડાઈ ગયો અને રનઆઉટ થઈને પરત ફરવું પડ્યું.
4 ઇનિંગ્સમાં 3 સદી ફટકારી
દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી છેલ્લી શ્રેણીમાં કેન વિલિયમસને બે ટેસ્ટ મેચની ચાર ઇનિંગ્સમાં 3 સદી ફટકારી હતી.
માઉન્ટ માઉંગનઇમાં રમાયેલી મેચની પ્રથમ ઈનિંગમાં વિલિયમસને 118 રન જ્યારે બીજી ઈનિંગમાં વિલિયમસને 109 રન બનાવ્યા હતા. બીજી મેચમાં પૂર્વ કેપ્ટને પ્રથમ દાવમાં 43 રન બનાવ્યા હતા જ્યારે બીજી ઈનિંગમાં ફરી સદી ફટકારી હતી. તેણે 133 રનની અણનમ ઇનિંગ રમીને ટીમને જીત તરફ દોરી હતી.