'હવે અમે કોઈપણ ટીમને હરાવી શકીએ છીએ' વર્લ્ડ કપ મેચમાં જીત બાદ રાશિદ ખાનની પ્રતિક્રિયા
Image Source: Freepik
નવી દિલ્હી, તા. 16 ઓક્ટોબર 2023 સોમવાર
અફઘાનિસ્તાને વર્લ્ડ કપ 2023ની 13મી મેચમાં ઈંગ્લેન્ડને ખરાબ રીતે હરાવ્યુ. અફઘાનિસ્તાન માટે આ જીત ઐતિહાસિક રહી. તેમણે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 69 રનથી જીત પ્રાપ્ત કરી હતી. આ જીત બાદ બોલર રાશિદ ખાને પ્રતિક્રિયા આપી છે. રાશિદે કહ્યુ કે ઈંગ્લેન્ડ પર જીતે અમને વિશ્વાસ અપાવ્યો છે કે હવે અમે કોઈ પણ ટીમને હરાવી શકીએ છીએ. રાશિદે આ મેચમાં જોરદાર બોલિંગ કરતા 3 વિકેટ લીધી હતી.
રાશિદે કહ્યુ, અમારા માટે આ મોટી જીત છે. આ પ્રકારના પ્રદર્શને અમને વિશ્વાસ અપાવ્યો છે કે હવે અમે કોઈ પણ ટીમને હરાવી શકીએ છીએ. ઈંગ્લેન્ડની સામે જીતવુ અમારા માટે મોટી વાત છે. અમારા ઘર ભૂકંપના કારણે પ્રભાવિત થયા છે. 3000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ જીતે અમારા લોકોને ખુશી આપી છે.
રાશિદે ટીમનો ઉલ્લેખ કરતા કહ્યુ, 'મે ડ્રેસિંગ રૂમમાં તમામને કહ્યુ હતુ કે ટુર્નામેન્ટમાં જે પણ થાય આપણે અંત સુધી લડીશુ. અમે અમારી માટે નાના લક્ષ્ય નક્કી કર્યા છે. અમારો પ્રયત્ન છે કે પોતાનું 100 ટકા આપીએ. 3 વિકેટ લેવા સાથે રન બનાવવા, મારા માટે ખુશીની વાત છે. માર્ક વુડ વિરુદ્ધ કવર ડ્રાઈવે પણ મને ખુશી આપી છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરીને 284 રન બનાવ્યા. આ દરમિયાન ગુરબાજે 90 રનની ઈનિંગ રમી. ઈકરામે અડધી સદી ફટકારી. તેમણે 58 રન બનાવ્યા. રાશિદ ખાને 22 બોલનો સામનો કરીને 23 રન બનાવ્યા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 215 રન જ બનાવી શકી. ટીમ માટે હૈરી બ્રૂકે 66 રનની ઈનિંગ રમી. આ દરમિયાન અફઘાનિસ્તાન માટે રાશિદ ખાને 9.3 ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ લીધી.