પંડ્યા કે જાડેજા નહીં, આ ખેલાડીને કેપ્ટન બનાવવા માંગતુ હતું BCCI: પૂર્વ સિલેક્ટરે કર્યો ખુલાસો
Image: Facebook
Shreyas Iyer: પૂર્વ ભારતીય સિલેક્ટર એમએસકે પ્રસાદે તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે હાર્દિક પંડ્યા, રિષભ પંત અને રવિન્દ્ર જાડેજા નહીં પરંતુ શ્રેયસ અય્યરને વિરાટ કોહલી અને રોહિત શર્મા બાદ આગામી કેપ્ટન તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે. જોકે આ રેસમાં હવે અય્યર ખૂબ પાછળ છે તેની પાસે BCCIનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પણ નથી. શ્રેયસ અય્યરનું ઈન્ડિયા એ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં કેપ્ટન તરીકે શાનદાર પ્રદર્શન રહ્યું છે. IPL 2024માં પણ તેની અધ્યક્ષતામાં કેકેઆરની ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. કેકેઆરે રવિવારે રાત્રે લખનૌ સુપર જાયન્ટ્સને 98 રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય કરવાના ખૂબ નજીક છે. એમએસકે પ્રસાદે કહ્યું, 'હાર્દિક પંડ્યા કે રવિન્દ્ર જાડેજા નહીં પરંતુ શ્રેયસ અય્યરને તૈયાર કરવામાં આવ્યો હતો. તે એક સિસ્ટમ દ્વારા આવ્યો હતો'
પ્રસાદે જણાવ્યું કે 'જો તમે આંકડાને જુઓ તો છેલ્લા બે વર્ષમાં જ્યારે અમે ઉચ્ચ સ્થાને હતા. શ્રેયસ અય્યરે ભારત એ ની કેપ્ટનશિપ કરી હતી. મને લાગે છે કે ભારત એ એ જે 10 સિરીઝ રમી, તેમાંથી અમે 8 જીતી. તે સિરીઝમાં મોટાભાગે શ્રેયસે ટીમની કેપ્ટનશિપ કરી હતી. તેને કેપ્ટનશિપના સ્પેશિયલ રોલ માટે તૈયાર કરવામાં આવ્યો હતો. અમને લાગ્યું કે વિરાટ કોહલી અને રોહિત શર્મા બાદ ટીમનું નેતૃત્વ કરવા માટે કોઈની જરૂર છે ત્યારે અમે શ્રેયસ અય્યર અને રિષભ પંત વિશે વિચારવાનું શરૂ કર્યું, પરંતુ શ્રેયસ અય્યર હંમેશા રિષભ પંતથી કેપ્ટન તરીકે એક પગલુ આગળ હતો'.
શ્રેયસ અય્યરે પહેલી વખત મોટા પાયે કેપ્ટનશિપ 2018માં કરી હતી જ્યારે ગૌતમ ગંભીરે સિઝનની વચ્ચે દિલ્હી કેપિટલ્સની કમાન છોડી હતી. પ્રસાદે કહ્યું કે અય્યર ભાગ્યશાળી હતો કે તેણે રિકી પોન્ટિંગના નેતૃત્વમાં પોતાની કેપ્ટનશિપ કરિયર શરૂ કરી, જે ડીસીનો મુખ્ય કોચ હતો.