'શૂટર' નહીં આ છે 'કમાન્ડો', એક હાથ ખિસ્સામાં અને બીજા હાથે આરામથી ઓલિમ્પિકમાં નિશાન સાધ્યું
Image: X
Who is Yusuf Dikec: એક હાથ ખિસ્સામાં, કોઈપણ સુરક્ષા ગિયર વિના, કોઈ ખાસ લેન્સ પહેર્યા વિના, પોતાના દરરોજના ચશ્મા પહેરીને એકદમ સરળતાથી પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર તુર્કિયેના પિસ્તોલ નિશાનેબાજ યૂસુફ ડિકેચના સ્વેગની ચર્ચા સોશિયલ મીડિયા પર ખૂબ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર તેમની તસવીર ખૂબ વાઈરલ થઈ ગઈ છે, જેમાં તેઓ સફેદ રંગની ટીશર્ટ પહેરીને એક હાથ ખિસ્સામાં નાખીને નિશાન સાધી રહ્યાં છે. તેમણે દસ મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ સ્પર્ધામાં સિલ્વર જીત્યો જે ઓલિમ્પિક નિશાનેબાજીમાં તુર્કિયેનો પહેલો મેડલ છે. આ તે સ્પર્ધા છે, જેમાં ભારતની મનુ ભાકર અને સરબજોત સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યા હતાં.
યૂસુફ ડિકેચના 'સ્વેગ'ની દુનિયા દિવાની
નિશાનેબાજોને આઝાદી હોય છે કે તેઓ ગમે તેવો ડ્રેસ પહેરી શકે છે. પેરિસથી લગભગ 300 મીટર દૂર શેટરાઉમાં ઓલિમ્પિક રેન્જ પર નિશાનેબાજ રોશની ઓછી કરવા માટે વાઈઝર કે શ્રેષ્ઠ ફોકસ માટે એક આંખ પર બ્લાઈન્ડર પહેરેલા નજર આવી રહ્યાં છે, પરંતુ યૂસુફ ડિકેચે કાનમાં પીળા ઈયરપ્લગ પહેરેલા હતાં જે કેમેરાના એન્ગલથી નજર આવ્યાં નહીં. સિલ્વર મેડલ જીત્યા બાદ 51 વર્ષીય યૂસુફ ડિકેચે કહ્યું, 'હું હવે 2028માં ગોલ્ડ મેડલ જીતવાનો પ્રયત્ન કરીશ.'
યૂસુફ ડિકેચ કોઈ સામાન્ય માણસ નથી
યૂસુફ ડિકેચનો જન્મ વર્ષ 1973માં તુર્કિયેના કહરામનમારસ પ્રાંતના ગોકસુન જિલ્લાના તાસોલુક ગામમાં થયો હતો. યૂસુફ ડિકેચ તુર્કિયે જેન્ડરમેરીના નિવૃત્ત નોન-કમિશન્ડ અધિકારી છે. યૂસુફ ડિકેચે 2001માં શૂટિંગ શરૂ કર્યું હતું. યૂસુફ ડિકેચ તુર્કિયેની નેશનલ ટીમ અને મિલિટ્રી ટીમમાં એક સાથે શૂટિંગ કરતાં રહ્યાં. યૂસુફ ડિકેચે પોતાનું પ્રાથમિક શિક્ષણ તાસોલુક ગામમાં પૂર્ણ કર્યું. તુર્કિયેના આ શૂટરે અંકારાના ગાજી યુનિવર્સિટીથી શારીરિક શિક્ષણ અને રમતમાં સ્નાતકની ડિગ્રી મેળવી.
મિલિટ્રી સ્કુલમાં ટ્રેનિંગ થઈ
યૂસુફ ડિકેચે વર્ષ 1994માં અંકારાના જેન્ડરમેરીના મિલિટ્રી સ્કુલમાં એડમિશન લીધું. જ્યાં તેમણે વર્ષ 2000માં સાર્જેન્ટના પદ પર સ્નાતકની ડિગ્રી મેળવી. યૂસુફ ડિકેચે એક વર્ષ સુધી ઈસ્તાંબુલમાં પોતાની સેવાઓ આપી અને પછી તુર્કિયે જેન્ડરમેરીના રમત ક્લબમાં ટ્રાન્સફર થઈ ગયા. મિલિટ્રીમાં થોડા સમય સુધી પોતાની સેવાઓ આપ્યા બાદ વર્ષ 2001માં યૂસુફ ડિકેચે શૂટિંગની રમતમાં હાથ અજમાવવાનું શરૂ કર્યું અને ત્યારથી તેઓ મિલિટ્રી નેશનલ ટીમ તરફથી નેશનલ ગેમ્સમાં ભાગ લેતાં રહ્યાં છે. યૂસુફ ડિકેચની પાસે 4 અન્ય યુરોપીય ચેમ્પિયનશિપ ખિતાબ, એક આઈએસએસએફ વર્લ્ડ કપ ખિતાબ અને એક સીઆઈએસએફ વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ છે.