શ્રેષ્ઠ ટીમ સામે હારવુ એ કોઇ શરમની વાત નથી: સુનિલ ગાવસ્કરે ટીમનું કર્યું સમર્થન
નવી દિલ્હી,તા. 20 નવેમ્બર 2023, સોમવાર
વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 6 વિકેટે હરાવી હતી. કાલની મેચ તમામ દર્શકોને યાદ રહી જાય તેવી છે. ઓસ્ટ્રેલિયાએ ભારતના કરોડો ચાહકોને કારમો ઢાટકો પહોંચાડતા ભારતની જ ભૂમિ પર અમદાવાદના સ્ટેડિયમમાં ભારતને 6 વિકેટથી હરાવીને ચાહકોને શાંત કરી દીધા હતા. જોકે, આખી ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા ફાઈનલ સિવાય એક પણ મેચ હારી નથી. આવી સ્થિતિમાં ટાઈટલ મેચમાં હારવી એ ટીમના ખેલાડીઓ માટે મોટો ઝટકો છે.
આ હાર પર ઘણા દિગ્ગજ ક્રિકેટરોના નિવેદનો સામે આવી રહ્યા છે. આ દરમિયાન સુનીલ ગાવસ્કરે ટીમને લઈને મોટી વાત કહી છે.
ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શન પર પૂર્વ ભારતીય બેટ્સમેન સુનીલ ગાવસ્કરે કહ્યું કે, અમને અમારી ટીમ પર ગર્વ હોવો જોઈએ. હું ચોક્કસપણે નિરાશ છું પરંતુ અમને ભારતીય ટીમ પર ગર્વ હોવો જોઈએ. કેટલીકવાર તે તમારી તરફેણમાં નથી જતું, પરંતુ ખેલાડીઓ શાનદાર ક્રિકેટ રમ્યા હતા. મને તેમના પર ખૂબ ગર્વ છે. સારી ટીમથી હારવામાં કોઈ શરમ નથી. આજની મેચમાં ઓસ્ટ્રેલિયા શાનદાર ટીમ હતી.
ભારત 2003નો બદલો લઈ શક્યું નથી
20 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ ફાઇનલમાં હરાવીને ફરી એક વાર નુકસાન પહોંચાડ્યું છે. આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા નિર્ધારિત 50 ઓવરમાં 240 રન બનાવીને સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી કેએલ રાહુલે સૌથી વધુ 66 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 54 રન બનાવ્યા હતા. આ સિવાય કેપ્ટન રોહિત શર્માએ 47 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા માટે 241 રન બનાવવા સરળ રહ્યાં હતા. ઓસ્ટ્રેલિયન ટીમે 43 ઓવરમાં 241 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત ODI વર્લ્ડ કપ ટ્રોફી પર કબજો કર્યો છે.