‘ટુર્નામેન્ટને રાજકારણ સાથે ન જોડવું જોઈએ’ ભારતે પાકિસ્તાન જવાનો ઈન્કાર કરતા પાક. વિદેશ મંત્રાલયની શેખી
ICC Champions Trophy 2025 : પાકિસ્તાનમાં આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનાર આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી-2025માં ભારતે જવાનો ઈન્કાર કર્યા બાદ પાકિસ્તાની વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન આપ્યું છે. મંત્રાલયે કહ્યું છે કે, ભારત સાથે પડદા પાછળ કોઈપણ વાતચીત ચાલી રહી નથી. આ સાથે મંત્રાલયે એવી પણ શેખી મારી છે કે, ‘ટુર્નામેન્ટને રાજકારણ સાથે ન જોડવું જોઈએ.’
ભારત સાથે હાલ કોઈ વાતચીત ચાલી રહી નથી
પાકિસ્તાની વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાજ જહરા બલૂચને આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનાર ક્રિકેટ ટુર્નામેન્ટની સ્થિતિ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, ‘પાકિસ્તાન અને ભારત વચ્ચે ચેમ્પિયન ટ્રોફી અને દ્વિપક્ષીય ક્રિકેટ અંગે વિશેષ ચર્ચા કરવા માટે ભારત સાથે પડદા પાછળ કોઈપણ વાતચીત ચાલી રહી નથી.’
આ પણ વાંચો : પાકિસ્તાન જીદ નહીં છોડે તો આ દેશમાં થશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025, ICCનો પ્લાન તૈયાર
‘ટુર્નામેન્ટને રાજકારણ સાથે ન જોડવું જોઈએ’
તેમણે કહ્યું કે, પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજન અને વિવિધ ટીમોની ભાગીદારી અંગેની વિસ્તૃત વિગતો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પાસે ઉપલબ્ધ છે અને તેઓ જ વધુ વિગતો આપી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે, ‘રમત-ગમતની ટુર્નામેન્ટને રાજકારણ સાથે ન જોડવું જોઈએ. પાકિસ્તાને હંમેશા કહ્યું છે કે, રમત-ગમતનું રાજનીતિકરણ ન કરવું જોઈએ.’
પીસીબી આઈસીસીની સંપર્કમાં
જ્યારે બલૂચને એમ પૂછવામાં આવ્યું કે, જો ભારત પાકિસ્તાનમાં ટીમ મોકલવાનો ઈન્કાર કરે છે, તો શું પાકિસ્તાન ચેમ્પિયન ટ્રોફીનું આયોજન ચાલુ રાખશે ? તો તેમણે કહ્યું કે, ‘ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિવિધ ટીમોની ભાગીદારી સહિત વ્યવસ્થા પર ચર્ચા કરવા માટે પીસીબી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ના સંપર્કમાં છે. આપે ટુર્નામેન્ટ અંગે કોઈપણ ટિપ્પણી અથવા સ્પષ્ટીકરણ માટે પીસીબી સાથે વાત કરવી જોઈએ.
આ પણ વાંચો : પાકિસ્તાન ગમે તેટલા હવાતિયા મારે, ભારત વગર ચેમ્પિયન્સ ટ્રોફી નહીં યોજાય, જાણો કારણ
BCCIએ ICCને આપી માહિતી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પાકિસ્તાન જવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે અને આ અંગે આઈસીસીને પણ માહિતી અપાઈ છે. જવાબમાં આઈસીસીએ હાઈબ્રિડ મોડલ હેઠળ ટુર્નામેન્ટની યજમાની કરવા મામલે પીસીબી પાસે જવાબ માંગ્યો છે. ગત વર્ષે એશિયા કપ દરમિયાન હાઈબ્રિડ મોડલનો ઉપયોગ કરાયો હતો અને ભારતની મેચો શ્રીલંકામાં રમાડવામાં આવી હતી, જ્યારે બાકીની મેચ પાકિસ્તાનમાં રમાઈ હતી.