મેલબર્નમાં નીતિશે કર્યું ફિલ્મી સેલિબ્રેશન, પુષ્પા બાદ બાહુબલી સ્ટાઇલની ઉજવણી વાઈરલ
IND Vs AUS, Nitish kumar Reddy : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર 5 મેચની બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરિઝની ચોથી મેચ રમાઈ રહી છે. ત્રીજા દિવસના અંતે ભારતે 9 ગુમાવી 358નો સ્કોર કર્યો હતો. આ મેચમાં નીતિશ કુમાર રેડ્ડીએ તેની કારકિર્દીની પહેલી સદી ફટકારીને અણનમ રહ્યો હતો. તેણે અત્યાર સુધીમાં 105 રન બનાવ્યા છે. રેડ્ડીની શાનદાર સદીના આધારે જ ભારત પર ફોલોઓનનું સંકટ ટળી ગયું હતું. ઓલરાઉન્ડરે પહેલી ત્રણ ટેસ્ટ મેચમાં પણ પોતાના બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ ત્યારે તે મોટી ઇનિંગ રમી શક્યો ન હતો, પરંતુ હવે તેણે આ કાર્ય મેલબર્નમાં પૂર્ણ કર્યું હતું.
નીતિશે પુષ્પા અને બાહુબલી સ્ટાઈલમાં કરી ઉજવણી
આ મેચ ટેસ્ટ દરમિયાન નીતિશ કુમાર રેડ્ડીનો ફિલ્મી અંદાજ પણ જોવા મળ્યો હતો. જ્યારે નીતિશે અડધી સદી ફટકારી ત્યારે તેણે પુષ્પાની સ્ટાઈલમાં ઉજવણી કરી હતી. જયારે સદીની ઉજવણી બાહુબલી સ્ટાઈલમાં કરી હતી. તેની આ ફિલ્મી સ્ટાઈલ ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે. નીતિશ રેડ્ડીએ પોતાની 105 રનની ઈનિંગમાં અત્યાર સુધીમાં 10 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. નીતિશને તેની પહેલી સદી પર પુષ્પા મૂવીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પણ અભિનંદન મળ્યા હતા. BCCIએ નીતિશની સદી પર લખ્યું હતું કે, 'તે ફાયર નહી વાઈલ્ડફાઈર છે.'
નીતિશ-સુંદરની ભાગીદારીએ તોડ્યો સચિનનો રેકોર્ડ
ત્રીજા દિવસે ભારતે જયારે 191ના સ્કોર પર રિષભ પંતની વિકેટ ગુમાવી ત્યારે નીતિશ રેડ્ડી બેટિંગ કરવા આવ્યો હતો ત્યારે ટીમ પર ફોલોઓનનું સંકટ હતું. આ પછી ભારતે 221ના સ્કોર પર રવીન્દ્ર જાડેજાના રૂપમાં 7મી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ નીતિશ રેડ્ડીને વોશિંગ્ટન સુંદરનો સાથ મળ્યો હતો અને બંનેએ સાથે મળીને 8મી વિકેટ માટે 127 રનની ભાગીદારી કરી હતી. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારત દ્વારા 8મી વિકેટ માટે આ બીજી સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ સચિન તેંડુલકર અને હરભજન સિંહના નામે છે. જેમણે વર્ષ 2008માં 8મી વિકેટ માટે 129 રનની ભાગીદારી કરી હતી.