જે લોકો કહેતા હતા કે હું નહીં રમી શકું...: ટ્રોલર્સને નીતિશ રેડ્ડીનો જડબાતોડ જવાબ, પિતાના ત્યાગ વિશે કર્યું વર્ણન
Nitish kumar Reddy : બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં સદી ફટકારીને ભારતીય ટીમને મુશ્કેલીમાંથી બહાર લાવનાર ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીએ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે. MCGના પ્રતિષ્ઠિત મેદાન પર સદી ફટકારીને તેણે સાબિત કરી દીધું હતું કે તે ક્રિકેટમાં સર્વોચ્ચ સ્તરનો ખેલાડી છે. હાલમાં ચાલી રહેલી ટેસ્ટ સીરિઝમાં નીતિશ રેડ્ડી ભારતનો ટોપ સ્કોરર ખેલાડી છે. છ ઇનિંગ્સમાં 293 રન બનાવીને અને 58થી વધુની બેટિંગ સરેરાશ સાથે તેણે બધાને જડબાતોડ જવાબ આપ્યો છે. કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓ રેડ્ડીના ટેસ્ટના ખેલાડી તરીકે તેના પ્રદર્શન અંગે શંકાસ્પદ હતા. બેટથી જવાબ આપ્યા બાદ હવે નીતિશે ટ્રોલર્સને શબ્દોમાં ઠપકો આપ્યો છે.
કેટલાક લોકોને મારા પર શંકા હતી
ટેસ્ટના ચોથા દિવસની સમાપ્તિ બાદ રેડ્ડીએ પોતાની નિરાશાને વ્યક્ત કરતા કહ્યું હતું કે, 'કેટલાક લોકોને મારા પર શંકા હતી કે, આઈપીએલ રમી રહેલો આ ખેલાડી આટલી મોટી સીરિઝમાં સારું પ્રદર્શન ન કરી શકે. હું જાણું છું કે ઘણાં લોકો આવી વાતો કરતા હતા. હું માત્ર તેમને એ અહેસાસ કરાવવા માંગુ છું કે તેઓએ મારા વિશે જે પણ કહ્યું છે તે ખોટું છે. હું લોકોને કહેવા માંગુ છું કે હું અહીં ભારતીય ટીમ માટે મારું 100 ટકા આપવા આવ્યો છું.'
અહીં સુધી પહોંચવા માટે મેં છેલ્લા બે-ત્રણ વર્ષથી સખત મહેનત કરી
જ્યારે તેને પૂછવામાં આવ્યું કે છેલ્લા એક મહિનાને કઈ રીતે જુઓ છો, કે જેમાં તમારું જીવન બદલાઈ ગયું હતું. તેણે તરત જ જવાબ આપતા કહ્યું કે, 'મને લાગે છે કે તમારા માટે તે માત્ર એક કે બે મહિના હશે, પરંતુ મારા માટે તે છેલ્લા બે ત્રણ વર્ષ હતા. હું મારી બેટિંગ અને બોલિંગ પર ખૂબ મહેનત કરી રહ્યો છું. પહેલી IPL સિઝન પછી મને લાગ્યું કે મારે મારી બેટિંગમાં સુધારો કરવો પડશે જેથી મેં એક પ્લાન બનાવ્યો. જ્યારે મને સમય મળ્યો ત્યારે મેં મારી બેટિંગ પર ઘણું કામ કર્યું હતું અને હવે તેના પરિણામ મળી રહ્યા છે. એક મહિના કે બે મહિનાની વાત નથી. અહીં સુધી પહોંચવા માટે મેં છેલ્લા બે-ત્રણ વર્ષથી સખત મહેનત કરી છે.'
મારા પર વિશ્વાસ કરનાર પહેલા વ્યક્તિ મારા પિતા હતા
પોતાના પરિવારને લઈને તેણે કહ્યું હતું કે, 'સાચું કહું તો મારા પિતાએ 25 વર્ષ સુધી કેન્દ્ર સરકારમાં સેવા આપી હતી અને જ્યારે હું કંઈ ન હતો ત્યારે મારા પર વિશ્વાસ કરનાર પહેલા વ્યક્તિ મારા પિતા હતા. તેમણે મારા પર વિશ્વાસ કર્યો અને મારા માટે તેમની નોકરીમાંથી રાજીનામું આપ્યું. તે મને મેદાન અને જીમમાં લઈ જતા હતા. તેમણે મારા માટે ઘણું બલિદાન આપ્યું છે. જો મારે તેમના વિશે જણાવવું હોય તો સમય ઓછો પડશે.'
નીતિશનો આદર્શ વિરાટ કોહલી
વિરાટ કોહલીને પોતાનો આદર્શ માનનાર નીતિશે કહ્યું હતું કે, 'હું નાનપણથી જ વિરાટ કોહલીને જોતો આવ્યો છું. તે મારા આદર્શ છે અને હવે આખરે હું તેની સાથે ક્રિકેટ રમ્યો. જ્યારે તેણે પર્થમાં સદી ફટકારી ત્યારે હું નોન-સ્ટ્રાઈકર છેડે હતો. મને ત્યારે ખૂબ જ આનંદ થયો. હવે મેં સદી ફટકારી છે અને તેમણે મારી પ્રશંસા કરી હતી. મારી પાસે આવીને તેમણે મને કહ્યું હતું કે, તું ખરેખર સારું રમ્યો હતો અને તે ટીમને રમતમાં પાછી લાવી હતી. મેં હંમેશા આ ક્ષણનું સપનું જોયું હતું અને જ્યારે તેમણે મારી સાથે વાત કરી ત્યારે તે મારા માટે જીવનની શ્રેષ્ઠ પળ હતી.'