WATCH: માતા-પિતા અને બહેનને મળીને ઈમોશનલ થઈ ગયો ભારતીય ક્રિકેટર, BCCIએ શેર કર્યો વીડિયો
IND Vs AUS, Nitish Kumar Reddy : ઓસ્ટ્રેલિયા સામેની 5 ટેસ્ટ મેચોની ટેસ્ટ સીરિઝની ચોથી મેચમાં બેટર નીતિશ કુમાર રેડ્ડીએ શાનદાર સદી ફટકારી હતી. તેની આ શાનદાર ઇનિંગના કારણે ભારત પર ફોલોઓનનું સંકટ ટળી ગયું હતું. આ સદી નીતિશ અને તેના પરિવાર માટે ખૂબ જ ભાવુક રહી હતી. જયારે નીતિશે સદી ફટકારી ત્યારે તેનો પરિવાર સ્ટેડિયમમાં જ હાજર હતો અને જ્યારે તેણે પહેલી સદી ફટકારી ત્યારે તેના પિતા ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. ત્રીજા દિવસની રમત પૂરી થયા બાદ નીતિશ તેના પરિવારના સભ્યોને મળ્યો હતો. જેનો વીડિયો હવે BCCIએ શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઇ રહ્યો છે.
માતા-પિતાને મળીને નીતિશ ભાવુક થઇ ગયો
BCCIએ શેર કરેલા વીડિયોમાં નીતિશ તેમના પરિવારના સભ્યોને મળી રહ્યો છે. હોટલના રૂમનો દરવાજો ખોલીને નીતિશ સૌથી પહેલા તેની માતાને અને પછી બહેનને મળ્યો હતો. પછી તે પિતા સાથે લાંબા સમય સુધી ગળે મળ્યો હતો. આ દરમિયાન તે ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યો હતો. નીતિશ કુમાર રેડ્ડીની અણનમ સદી અને તેની વોશિંગ્ટન સુંદર સાથે 127 રનની ભાગીદારીની મદદથી ભારતે ત્રીજા દિવસે પહેલી ઇનિંગમાં 9 વિકેટે 358 રન બનાવ્યા હતા. જો કે ભારત હજુ પણ ઓસ્ટ્રેલિયાથી 106 રન પાછળ છે.
પિતાએ નીતિશની ક્રિકેટ કારકિર્દી માટે પોતાની નોકરી છોડી દીધી
અહીં સુધી પહોંચવામાં નીતિશ કુમાર રેડ્ડીની ક્રિકેટની સફર આસાન રહી ન હતી. હકીકતમાં નીતિશ સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમના પિતાએ તેની ક્રિકેટ કારકિર્દી માટે પોતાની નોકરી છોડી દીધી હતી. તેના પિતાની મહેનતનું જ પરિણામ છે કે નીતિશ આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્ટાર બનીને ઉભરી આવ્યા છે. નીતિશે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'મારા પિતા એવા પહેલા વ્યક્તિ હતા કે જેમણે મારા પર વિશ્વાસ કર્યો કે હું એક સારો ક્રિકેટર બની શકું છું.' નીતિશ કુમાર રેડ્ડીના પિતા મુત્યાલાએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના પુત્ર વિશે મોટો ખુલાસો કરતાં કહ્યું હતું કે, 'નેશનલ ક્રિકેટ એકેડમી(NCA)માં ભારતીય ટીમના સિનિયર ઓલરાઉન્ડર હાર્દિકને મળ્યા બાદ નીતિશની કારકિર્દી બદલાઈ ગઈ હતી. ત્યારથી જ તે માત્ર ઓલરાઉન્ડર બનવા માંગતો હતો.'
આ પણ વાંચો : મેલબર્નમાં નીતિશે કર્યું ફિલ્મી સેલિબ્રેશન, પુષ્પા બાદ બાહુબલી સ્ટાઇલની ઉજવણી વાઈરલ
નીતિશની અત્યાર સુધીની ક્રિકેટની સફર
ઘરેલું ક્રિકેટ અને IPLમાં નીતિશ કુમાર રેડ્ડીના શાનદાર પ્રદર્શન બાદ તેની ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. નીતિશે આ વર્ષે ઑક્ટોબરમાં બાંગ્લાદેશ સામેની રમાયેલી મેચમાં પોતાનું T20Iમાં ડેબ્યૂ કર્યું હતું. નીતિશે રણજી ટ્રોફી દરમિયાન મુંબઈ સામેની તેની બીજી ફર્સ્ટ ક્લાસ મેચમાં 5 વિકેટ લીધી હતી. નીતિશે બાંગ્લાદેશ સામેની ડેબ્યૂ T20 સીરિઝમાં પણ ત્રણ વિકેટ ઝડપી હતી. એટલું જ નહીં નીતિશે ઓસ્ટ્રેલિયા સામેની વર્તમાન ટેસ્ટ સીરિઝમાં અત્યાર સુધીમાં ત્રણ વિકેટ ઝડપી છે.