VIDEO : ભારતીય ટીમમાં ન મળી તક, હવે BBLમાં આ ખેલાડીએ મચાવી તબાહી
નિખિલ ચૌધરી ચાર વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા જઈને વસ્યો હતો
નિખિલે હારિસ રઉફની ઓવરમાં ગગનચુંબી છગ્ગો ફટકાર્યો
Big Bash League Nikhil Chaudhary : ઓસ્ટ્રેલિયામાં હાલ બિગ બેશ લીગ રમાઈ રહી છે. આ લીગમાં ભારતીય મૂળના એક ખેલાડીએ પણ ભાગ લીધો છે. તેણે પોતાની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડીંગથી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ફેન્સને પ્રભાવિત કર્યા છે. આ ખિલાડીનું નામ નિખિલ ચૌધરી છે.
પાકિસ્તાની ફાસ્ટ બોલરની બોલ પર ફટકાર્યો ગગનચુંબી છગ્ગો
નિખિલ ચૌધરીએ BBLની 17મી મેચમાં મેલબર્ન સ્ટાર્સ સામે બેટિંગ દરમિયાન 16 બોલમાં શાનદાર 32 રન બનાવ્યા હતા. તેણે આ દરર્મિયન 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તેણે બેટિંગ દરમિયાન BBLમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર હારિસ રઉફની બોલિંગ પર વિસ્ફોટક બેટિંગ કરી દર્શકોને ચોંકાવી દીધા હતા. BBLની 21મી મેચમાં નિખિલે સિડની થંડર્સ સામે બોલિંગ દરમિયાન પણ કમાલ કરી હતી. તેણે 4 ઓવરમાં 26 આપીને 2 વિકેટ ઝડપી હતી.
ડોમેસ્ટિક ક્રિકેટમાં નિખિલનું શાનદાર પ્રદર્શન
નિખિલ ચૌધરીનો જન્મ 4 મે 1996ના રોજ દિલ્હીમાં થયો હતો. તેણે પંજાબ માટે વર્ષ 2016 અને 2017માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની હરિયાણા સામેની મેચ દરમિયાન ડોમેસ્ટિક ક્રિકેટમાં ડેબ્યુ કર્યો હતો. પાંચ અઠવાડિયા કરતાં ઓછા સમય પછી નિખિલે વિજય હજારે ટ્રોફીમાં હરિયાણા સામે લિસ્ટ-A ક્રિકેટમાં ડેબ્યુ કર્યો. તેના ડોમેસ્ટિક ક્રિકેટ કરિયરમાં તે ડોમેસ્ટિક સિઝનમાં પંજાબ માટે માત્ર 12 T20 અને કેટલીક લિસ્ટ-A મેચ રમી શક્યો હતો. નિખિલ ભારત માટે છેલ્લે 2019માં ડોમેસ્ટિક ક્રિકેટમાં રમ્યો હતો. તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈ સામે પંજાબ તરફથી રમતા જોવા મળ્યો હતો. ભારત માટે તેની છેલ્લી ઘરેલું મેચમાં નિખિલે 5 રન બનાવ્યા હતા અને બોલિંગમાં તે વિકેટ લઈ શક્યો ન હતો.
ચાર વર્ષ પહેલા નિખિલ ઓસ્ટ્રેલિયામાં વસ્યો હતો
ક્રિકેટિંગ કરિયર આગળ વધારવા માટે નિખિલે ઓસ્ટ્રેલિયા જવાનો નિર્ણય કર્યો. નિખિલ 4 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા જઈને વસી ગયો હતો. બ્રિસ્બનમાં રહીને તેણે પોતાનો સંઘર્ષ શરુ કર્યો. તેણે સૌ પહેલા ક્લબ ક્રિકેટ રમી.ક્વીન્સલેન્ડની T20 MAX ટુર્નામેન્ટમાં નિખિલે બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું. સેમિફાઈનલમાં તેણે માત્ર 28 બોલમાં 71 રન ફટકારી દીધા હતા. આ દરમિયાન તેણે 7 છગ્ગા ફટકાર્યા હતા. નિખિલના કૌશલને જોઈ હોબાર્ટ હરિકેન્સે તેને આ સિઝન માટે સાઈન કર્યો હતો. BBLમાં પોતાની પહેલી મેચમાં નિખિલે વિસ્ફોટક રીતે 40 રન બનાવી ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી હતી.