વેસ્ટ ઈન્ડિઝના બેટરનો અનોખો રેકોર્ડ, એક ઓવરમાં ત્રણ સિક્સ ફટકારીને 36 રન લીધા
Image Source: Twitter
T20 World Cup 2024 WI vs AFG: T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો થયો હતો. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોનો તોફાની અંદાજ જોવા મળ્યો હતો. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ અફઘાનિસ્તાનની મજબૂત બોલિંગ લાઈન-અપની ધજિયા ઉડાવી દીધી હતી. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે T20 વર્લ્ડ કપનો એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે T20 વર્લ્ડ કપ 2024નો હાઈ સ્કોર પણ બનાવ્યો છે.
વેસ્ટ ઈન્ડિઝએ બનાવ્યા 218 રન
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 218 રન બનાવ્યા હતા. જે આ સિઝનનો સૌથી મોટો સ્કોર છે. આ ઉપરાંત પાવરપ્લેમાં પણ વેસ્ટ ઈન્ડિઝે સૌથી મોટો સ્કોર પણ બનાવ્યો છે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આજ સુધી કોઈ પણ ટીમ પાવરપ્લેમાં આટલો મોટો સ્કોર નથી બનાવી શકી. પાવરપ્લેના 6 ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝે એક વિકેટ ગુમાવીને 92 રન બનાવ્યા હતા. જે T20 વર્લ્ડના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો પાવરપ્લે સ્કોર છે.
મેચમાં આવ્યું નિકોલસ પૂરનનું તોફાન
આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ તરફથી વિકેટકીપર બેટ્સમેન નિકોલસ પૂરને શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં પુરને વિસ્ફોટક બેટિંગ કરી હતી અને 53 બોલમાં 98 રનની ઈનિંગ રમી હતી. પોતાની ઈનિંગ દરમિયાન પૂરને 6 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા છે. જેમાંથી એક ઓવરમાં નિકોલસ પૂરને 36 રન બનાવ્યા હતા. આમ, આ મેચમાં પૂરને યુવરાજ સિંહની યાદ અપાવી હતી.
ગેલનો રેકોર્ડ તોડ્યો
બીજી તરફ આ મેચમાં પૂર્વ દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલને પાછળ છોડી પૂરને એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. પૂરન હવે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝ માટે સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો છે. પૂરનના નામે હવે T20 ક્રિકેટમાં 128 સિક્સર છે. આ પહેલા આ રેકોર્ડ ક્રિસ ગેલના નામે હતો. ક્રિસ ગેલના નામે 124 સિક્સર નોંધાયેલા છે.