તોફાની બેટરે 2024 માં કર્યો છગ્ગાનો વરસાદ, 'સિક્સર કિંગ' ક્રિસ ગેલનો 9 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
Nicholas Pooran: વેસ્ટ ઈન્ડિઝનો બેટર નિકોલસ પૂરન આ વર્ષે શાનદાર ફોર્મમાં છે. પોતાની ઘાતક બેટિંગ દ્વારા તે બોલરોને ધ્રૂજતા કરી દે છે. પહેલા બોલ પર જ પ્રહાર કરવાની ક્ષમતા તેને અન્ય બેટર કરતા અલગ બનાવે છે. આ જ કારણે તેની મોટાભાગની ઇનિંગ્સમાં તેણે ચોગ્ગા કરતાં વધુ છગ્ગા માર્યા છે. વર્ષ 2024માં પૂરને એટલા બધા છગ્ગા ફટકાર્યા છે કે તેણે ક્રિસ ગેલનો 9 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. 2024ને સમાપ્ત થવામાં હજુ ચાર મહિના બાકી છે. પરંતુ તે પહેલા પૂરને એક કેલેન્ડર વર્ષમાં T20માં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે.
હાલમાં પૂરન કેરેબિયન પ્રીમિયર લીગમાં રમી રહ્યો છે. આ લીગમાં પૂરન ટ્રિનબાગો નાઈટ રાઈડર્સ ટીમનો ભાગ છે. સેન્ટ કિટ્સ પેટ્રિયટ્સ અને નેવિસ સામેની તેની પહેલી મેચમાં તેણે શાનદાર બેટિંગ કરીને 97 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 7 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. આ 9 છગ્ગા સાથે નિકોલસ પૂરન આ વર્ષે T20 ક્રિકેટમાં 139 છગ્ગાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ પહેલા આ રેકોર્ડ 'યુનિવર્સ બોસ' તરીકે ઓળખાતા ક્રિસ ગેલના નામે હતો, જેણે વર્ષ 2015માં T20 ક્રિકેટ ફોર્મેટમાં 135 છગ્ગા ફટકાર્યા હતા.
આ પણ વાંચોઃ ક્રિકેટ જગતના 'રબર મેન' જોન્ટીના મતે આ ગુજ્જુ ઓલરાઉન્ડર છે મોડર્ન ક્રિકેટનો બેસ્ટ ફિલ્ડર
પૂરન પાસે સીપીએલની આખી સિઝન છે. આગામી મહિનાઓમાં તે બીજી ઘણી લીગ મેચ પણ રમશે. જો તે આ વર્ષે ઈજાગ્રસ્ત ન થાય તો તેની પાસે એક કેલેન્ડર વર્ષમાં 200 છગ્ગાનો આંકડો સ્પર્શવાની ક્ષમતા છે.
T20 ક્રિકેટમાં એક વર્ષમાં સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડી-
139 - વર્ષ 2024 માં નિકોલસ પૂરન
135 - વર્ષ 2015માં ક્રિસ ગેલ
121 - વર્ષ 2012માં ક્રિસ ગેલ
116 - વર્ષ 2011માં ક્રિસ ગેલ
112 - વર્ષ 2016માં ક્રિસ ગેલ
101 - વર્ષ 2017માં ક્રિસ ગેલ
101 - વર્ષ 2019 માં આન્દ્રે રસેલ
100 - વર્ષ 2013માં ક્રિસ ગેલ