Get The App

ન્યુઝીલેન્ડ 69 વર્ષે ભારતની ભૂમિ પર સૌપ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીત્યું

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
ન્યુઝીલેન્ડ 69 વર્ષે ભારતની ભૂમિ પર સૌપ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીત્યું 1 - image


- ઘરઆંગણે ભારતની સળંગ 18 શ્રેણી જીત્યા પછી પ્રથમ હાર

- ન્યુઝીલેન્ડે ભારતને બીજી ટેસ્ટમાં 113 રનથી પરાજય આપ્યો : સાન્ટનરની ટેસ્ટમાં 13 વિકેટ

પુણે : ન્યુઝીલેન્ડે ભારત સામેના ૬૯ વર્ષના ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં સૌપ્રથમ વખત ભારતની ભૂમિ પર ટેસ્ટ શ્રેણીમાં વિજય મેળવી ઈતિહાસ સર્જ્યો છે. ન્યુઝીલેન્ડ ૧૯૫૫માં પ્રથમ વખત ભારતના પ્રવાસે ટેસ્ટ શ્રેણી રમવા આવ્યું હતું તે પછી છેક ૨૦૨૪ની આ શ્રેણી ભારતમાં પ્રથમ વખત જીતવામાં સફળ થયું છે.

પુણેમાં રમાયેલા ત્રણ ટેસ્ટ મેચ પૈકીની બીજી ટેસ્ટમાં ત્રીજા દિવસે જ ન્યુઝીલેન્ડે ભારતને ૧૧૩ રનથી પરાજય આપ્યો હતો.

ન્યુઝીલેન્ડના પ્રથમ ઈનિંગમાં ૨૫૯ રન સામે ભારત ૧૫૬માં ઓલઆઉટ થયું હતું. ન્યુઝીલેન્ડ બીજી ઈનિંગમાં ૨૫૫ રનમાં ઓલઆઉટ થયું હતું. ન્યુઝીલેન્ડની ૧૦૩ રનની સરસાઈ ઉમેરતા ભારતને ૩૫૯નો પડકાર આવ્યો હતો પણ ભારત નિરાશાજનક બેટિંગ કરતા ૨૪૫ રનમાં ૬૦.૨ ઓવરમાં ઓલઆઉટ થયું હતું. પ્રથમ ઈનિંગમાં ૭ વિકેટ લેનાર ડાબોડી સ્પિનર સાન્ટનરે બીજી ઈનિંગમાં ૬ વિકેટ ઝડપી હતી. ન્યુઝીલેન્ડે બીજા દિવસની રમતના અંતના પાંચ વિકેટે ૧૯૮ રનથી ૨૫૫ રને ઓલઆઉટ સ્કોર કર્યો હતો.

તે પછી ભારત ૨૪૫ રને ઓલઆઉટ થઈ હાર્યું હતું આમ આજના ત્રીજા દિવસે કુલ ૧૫ વિકેટ પડી હતી.

ભારત તરફથી ઓપનર જયસ્વાલ ૬૫ બોલમાં ૯ ચોગ્ગા, ૩ છગ્ગા સાથે ૭૭ અને જાડેજા ૮૪ બોલમાં ૪૨ને બાદ કરતા તમામ બેટ્સમેન નિષ્ફળ ગયા હતા. રોહિત શર્મા ૮, ગીલ ૨૩, કોહલી ૧૭, પંત ૦, સુંદર ૨૧, સરફરાઝ ખાન ૯, અશ્વીન ૧૮, આકાશદીપ ૧ રને આઉટ થયા હતા. ભારતના રોહિત શર્મા અને કોહલી ફલોપ જતા તેઓ માટે ચાહકો રોષે ભરાયા હતા. હેડ કોચ ગંભીર પણ ટીકાનો ભોગ બન્યો હતો.

ભારતે બેંગ્લોર ટેસ્ટમાં ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલરો સામે પરાજય સહન કરતા પુણેની પીચ ખાસ સ્પિનરો માટેની અને ઓછો ઉછાળ આપતી બનાવી હતી. પણ ન્યુઝીલેન્ડના સ્પિનર સાન્ટનરે બંને ઈનિંગમાં ફાયદો ઉઠાવીને ભારતને તેની જ ગોઠવેલી બાજીમાં મહાત આપી હતી.

બેંગ્લોરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ પણ ન્યુઝીલેન્ડ જીત્યું હતું આમ ૨-૦ વિજય સાથે શ્રેણી જીત ન્યુઝીલેન્ડે નિશ્ચિત કરી લીધી છે. હવે ત્રીજી અને આખરી ટેસ્ટ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ૧ નવેમ્બરથી રમાશે.

ન્યુઝીલેન્ડ છેલ્લાં ૬૯ વર્ષમાં આ અગાઉ ૧૩ વખત ભારતના પ્રવાસે ટેસ્ટ શ્રેણી રમવા આવી ચૂક્યું છે પણ તેઓ ક્યારેય ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતવામાં આ અગાઉ સફળ નહોતા થયા.

આ શ્રેણી હાર સાથે ભારતનો ઘરઆંગણે છેલ્લી ૧૮ ટેસ્ટ શ્રેણી જીતવાનો રેકોર્ડ પણ તૂટયો છે. બીજી રીતે કહીએ તો ભારત ૨૦૧૨થી ટેસ્ટ શ્રેણી ઘરઆંગણે જીતતું આવ્યું છે. આમ ૧૨ વર્ષ પછી ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં ભારતનો પરાજય થયો છે.

૨૦૧૨થી ૨૦૨૪ દરમ્યાન આ શ્રેણી પહેલાં ભારત સીવાયની તમામ ટીમ ઘરઆંગણે એક કે વધુ વખત ટેસ્ટ શ્રેણી હારી ચૂક્યું છે. એક ભારત જ આ રીતે શ્રેણી હાર્યું નહોતું જે સિલસિલો તૂટયો છે.

ભારત ટેસ્ટ શ્રેણી હારતાં ક્રિકેટ ઈતિહાસમાં ઘરઆંગણાની સૌથી લાંબી વિજયકૂચ અટકી

ભારતીય ટીમનો ઘરઆંગણે ચાલી રહેલી ન્યુઝીલેન્ડ સામેની ત્રણ ટેસ્ટની શ્રેણીમાં ૦-૨થી પરાજય થયો છે. શ્રેણીમાં એક ટેસ્ટ બાકી છે, પણ ન્યુઝીલેન્ડે શ્રેણી વિજય નિશ્ચિત કરી લીધો છે. આ સાથે ભારતનો ૧૨ વર્ષ અને ૧૮ ટેસ્ટ શ્રેણી બાદ ઘરઆંગણે પહેલીવાર શ્રેણીમાં પરાજય થયો હતો. આ સાથે ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં ઘરઆંગણાની સૌથી લાંબી શ્રેણીની વિજયકૂચનો અંત આવી ગયો હતો. ભારત સિવાય કોઈ પણ ટીમ ઘરઆંગણે સતત ૧૦થી વધુ ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી.

ઘરઆંગણે સૌથી લાંબી અજેયકૂચમાં બીજા ક્રમે

ઘરઆગણે સૌથી વધુ શ્રેણીમાં અજેય રહેવામાં ભારતના સતત ૧૮ ટેસ્ટ શ્રેણી વિજયને બીજો ક્રમ મળ્યો છે. ઓસ્ટ્રેલિયા ૧૯૯૨-૯૩થી ૨૦૦૮-૦૯ સુધી ઘરઆંગણે સતત ૨૮ ટેસ્ટની શ્રેણીમાંથી એક પણ હાર્યું નહતુ. આ પછી ભારતને સ્થાન મળ્યું છે.  અજેય કૂચમાં જીત અને ડ્રો થયેલી ટેસ્ટ શ્રેણીનો સમાવેશ થાય છે.


Google NewsGoogle News