World Cup 2023 : NZ vs BAN : વર્લ્ડકપમાં ન્યુઝીલેન્ડની સતત ત્રીજી જીત, બાંગ્લાદેશ સામે 8 વિકેટે વિજય, વિલિયમસન-મિશેલની ફિફ્ટી
બાંગ્લાદેશનો સ્કોર - 50 ઓવરમાં 245/9, મુશફિકુર રહીમના 66, મહમુદુલ્લાહના 41 રન
ન્યુઝીલેન્ડનો સ્કોર - 42.5 ઓવરમાં 248/2, કેન વિલિયમસન અને ડેરીલ મિશેલની ફિફ્ટી
ચેન્નાઈ, તા.13 ઓક્ટોબર-2023, શુક્રવાર
New Zealand vs Bangladesh World Cup 2023 : વર્લ્ડકપ-2023ની 11મી મેચમાં આજે ન્યુઝીલેન્ડની ટીમનો બાંગ્લાદેશ સામે 8 વિકેટે વિજય થયો છે. બાંગ્લાદેશના 50 ઓવરમાં 9 વિકેટે 245 રનના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમે 42.5 ઓવરમાં 2 વિકેટે 248 રન કરી વિજય મેળવ્યો છે. આજની મેચમાં કુલ ત્રણ ખેલાડીઓએ ફિફ્ટી ફટકારી છે, ન્યુઝીલેન્ડ તરફથી કેન વિલિયમસન અને ડેરીલ મિશેલ તેમજ બાંગ્લાદેશ તરફથી મુશફિકુર રહીમે ફિફ્ટી ફટકારી છે. આ વખતના વર્લ્ડકપમાં ન્યુઝીલેન્ડે સતત ત્રીજી જીત મેળવી છે.
વર્લ્ડકપ-2023માં ન્યુઝીલેન્ડની સતત ત્રીજી જીત
ન્યુઝીલેન્ડની ટીમે આ વખતના વર્લ્ડકપમાં સતત ત્રીજી જીત નોંધાવી છે. ન્યુઝીલેન્ડે અગાઉ 1 માર્ચે ઈંગ્લેન્ડ 9 વિકેટે પરાજય આપ્યો હતો, જ્યારે 6ઠ્ઠી માર્ચે નેધરલેન્ડ્સ સામે 99 રને જીત મેળવી હતી, તો આજે ન્યુઝીલેન્ડે બાંગ્લાદેશ સામે 8 વિકેટે વિજય મેળવ્યો છે.
બાંગ્લાદેશનો સ્કોર
બાંગ્લાદેશ તરફથી સૌથી વધુ રન મુશફિકુર રહીમે 75 બોલમાં 6 ફોર અને 2 સિક્સ સાથે 66 રન જ્યારે મહમુદુલ્લાહે 49 બોલમાં 2 ફોર અને 2 સિક્સ સાથે 41 રન નોંધાવ્યા હતા. જ્યારે બોલરોમાં મુસ્તફિઝુર રહેમાન અને શાકિબ અલ હસને 1-1 વિકેટ ખેરવી હતી.
ન્યુઝીલેન્ડનો સ્કોર
ન્યુઝીલેન્ડ તરફથી ડેવોન કોનવેએ 45 રન, કેન વિલિયમસને 78 રન (રિટાયર્ડ હર્ટ) જ્યારે ડેરીલ મિશેલ અણનમ 67 બોલમાં 6 ફોર અને 4 સિક્સ સાથે 89 રન કર્યા હતા. બોલરોમાં સૌથી વધુ વિકેટ લોકી ફર્ગ્યુસને 3 વિકેટ, ટ્રેન્ટ બોલ્ટ અને મેટ હેનરી 2-2 વિકેટ, ગ્લેન ફિલિપ્સ અને મિશેલ સેન્ટનર 1-1 વિકેટ ઝડપી હતી.
આ ટુર્નામેન્ટમાં બંને ટીમોની ત્રીજી મેચ
આ વર્લ્ડકપમાં ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશે પોતાની ત્રીજી મેચ રમી હતી. આ પહેલા ન્યૂઝીલેન્ડે પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન (defending champions) ઈંગ્લેન્ડને અને બીજી મેચમાં નેધરલેન્ડને હરાવ્યું હતું, જ્યારે આજની મેચમાં બાંગ્લાદેશ સામે પણ વિજય મેળવ્યો છે. બાંગ્લાદેશે પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનને હરાવ્યું હતું, પરંતુ બીજી મેચમાં ઇંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તો ત્રીજી મેચમાં ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો છે.