'ડર્યા વિના રમીને તેમને ઘરમાં જ હરાવીશું...', ન્યૂઝીલેન્ડના નવા કેપ્ટનની ટીમ ઈન્ડિયાને ચેલેન્જ!
Representative Image |
New Zealand Test Cricket Team, Captain Tom Latham : ન્યુઝીલેન્ડની ટેસ્ટ ક્રિકેટ ટીમ આગામી સમયમાં ભારતના પ્રવાસે આવી રહી છે. પરંતુ આ પહેલા ટીમને એક નવો કેપ્ટન મળ્યો છે. કેન વિલિયમસનના સ્થાને વિકેટકીપર અને બેટર ટોમ લૈથમને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. લૈથમ કામ શરૂ કરતા પહેલા જ પોતાનું આક્રમક વલણ બતાવવાનું શરૂ કરી દીધું છે. ન્યુઝીલેન્ડની ટીમ આ મહિને ભારતના પ્રવાસે આવવાની છે. કીવી ટીમના કેપ્ટને ખુદ ભારતીય ટીમને પડકાર ફેંક્યો છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ સીરિઝ યોજવાની છે. આ સિરીઝ પહેલા ટીમ સાઉદીએ કેપ્ટનના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ ટોમ લૈથમને ટીમની સમાન આપવામાં આવી છે. ન્યુઝીલેન્ડની ટીમની શ્રીલંકામાં થયેલી હાર બાદ સાઉદીએ રાજીનામું આપી દીધું હતું.
કેપ્ટન બન્યા બાદ લૈથમે ટીમના ખેલાડીઓને ભારત સામે ડર્યા વિના રમવાનું કહ્યું છે. તેણે કહ્યું કે ન્યૂઝીલેન્ડની ટીમ ભારતને તેના ઘરઆંગણે પડકાર આપશે. તેણે કહ્યું, 'મને લાગે છે કે અમારે સારું કામ ચાલુ રાખવું જોઈએ. હું મારી ટીમના સ્પિનર પર નિર્ભર રહીશ. ભારત જવું એ એક સારો પડકાર છે. એકવાર અમે ત્યાં જઈશું, મને આશા છે કે અમે ત્યાં સંપૂર્ણ સ્વતંત્રતા સાથે રમી શકીશું. અમે કોઈપણ ડર વિના રમીશું અને તેમને હરાવવાનો પ્રયત્ન કરીશું. જો અમે તેવું કરી શકીશું, તો અમે પોતાને એક તક આપીશું.'
ટોમ લૈથમે ભારતમાં રમાયેલી ટેસ્ટ સીરિઝ પર નજર નાખી છે. તેણે અહીં રમવાનો ઉપાય શોધી કાઢ્યો છે. તેનું માનવું છે કે ભારત સામે તેના ઘરઆંગણે જીતવાનો એકમાત્ર રસ્તો આક્રમક ક્રિકેટ જ છે. તેણે કહ્યું, 'અમે જોયું છે કે ભૂતકાળમાં ભારતમાં જે ટીમોએ પહેલા સારું પ્રદર્શન કર્યું છે, તે ઘણી આક્રમક રહી છે, ખાસ કરીને બેટથી. તેઓ કેટલાક શોટ રમે છે જેનાથી ભારતીય ટીમ દબાણમાં આવી જાય છે. અમે ત્યાં જઈને નક્કી કરીશું કે અમારે ત્યાં જઈને કેવી રીતે રમીશું. અમારે સારું રમવું પડશે. આશા છે કે અમે સારી રીતે ત્યાં સંકલન સાધી શકીશું.'