IPLનો ખેલ બગાડવા નીકળેલા પાકિસ્તાનની ફજેતી, ન્યુઝીલેન્ડ બોર્ડે ઈરાદાઓ પર પાણી ફેરવ્યું
Cricket News : IPL 2024 પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ન્યુઝીલેન્ડ સામે 5 મેચની T20I સીરિઝની જાહેરાત કરી હતી. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ T20I સીરિઝ 18 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. આ દરમિયાન ભારતમાં IPL 2024 ચાલુ રહેશે. ન્યુઝીલેન્ડના ઘણા ખેલાડીઓ IPLમાં ભાગ લઇ રહ્યા છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન વિરૂદ્ધ સીરિઝ શરૂ થયા બાદ ન્યુઝીલેન્ડના ઘણા દિગ્ગજ ખેલાડીઓ IPL છોડીને પરત ફરી શકે છે તેવી શક્યતા હતી. જેથી IPLની તમામ ફ્રેન્ચાઇઝીને મોટું નુકસાન થાત. પરંતુ હવે તમામ IPL ફ્રેન્ચાઇઝીનું ટેન્શન ઓછુ થઇ ગયું છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન સામેની 5 મેચની T20I સીરિઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમને જોઇને એવું કહી શકાય છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની કિરકિરી થઇ ગઈ છે.
IPLની તમામ 10 ફ્રેન્ચાઇઝીનું ટેન્શન થયું ઓછું
ન્યુઝીલેન્ડ સામે સીરિઝ રમવાની જાહેરાત બાદ એવું લાગી રહ્યું હતું કે IPLની તમામ 10 ફ્રેન્ચાઇઝીને મોટું નુકસાન થઇ શકે છે કારણ કે ન્યુઝીલેન્ડના કુલ 14 ખેલાડીઓને IPL માટે ફ્રેન્ચાઇઝીઓએ પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. દરેક દેશના ક્રિકેટ બોર્ડની અપેક્ષા હોય છે કે ખેલાડીઓ પહેલા પોતાના દેશ માટે રમવાને મહત્વ આપે અને પછી અન્ય કોઈ દેશની લીગ રમે. કંઇક આવું જ પાકિસ્તાને પણ વિચાર્યું હતું કે જેથી વિશ્વની સૌથી ધનિક ક્રિકેટ લીગ IPLને નુકસાન થવાનું હતું. પરંતુ ન્યુઝીલેન્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ટીમને જોઇને લાગી રહ્યું છે કે પાકિસ્તાનનું આ કાવતરું ફેલ થઇ ગયું છે.
માઈકલ બ્રેસવેલને બનાવ્યો કેપ્ટન
ન્યુઝીલેન્ડ ક્રિકેટ દ્વારા જાહેર કરેલ ટીમની કમાન માઈકલ બ્રેસવેલ સંભાળશે. બ્રેસવેલ પ્રથમ વખત કિવી ટીમનું નેતૃત્વ કરશે. IPL 2024ના કારણે ન્યુઝીલેન્ડ ટીમમાંથી કેટલાક મોટા નામો ગાયબ છે, જેમાં કેન વિલિયમસન, ડેરિલ મિચેલ અને રચિન રવિન્દ્ર જેવા મોટા નામો સામેલ છે. માર્ચ 2023થી ઈજાથી પરેશાન માઈકલ બ્રેસવેલ આ સીરિઝ સાથે વાપસી કરવા માટે તૈયાર છે. ટિમ રોબિન્સન અને વિલ ઓ'રોર્કીને પ્રથમ વખત T20 ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
પાકિસ્તાન સામેની 5 મેચની T20I સીરિઝ માટે જાહેર કરવામાં આવેલ ન્યુઝીલેન્ડની ટીમ
માઈકલ બ્રેસવેલ (C), ફિન એલન, માર્ક ચેપમેન, જોશ ક્લાર્કસન, ડીન ફોક્સક્રોફ્ટ, બેન લિસ્ટર, કોલ મેકોન્કી, એડમ મિલ્ન, જિમી નીશમ, વિલ ઓ'રોર્કી, ટિમ રોબિન્સન, બેન સીર્સ, ટિમ સીફર્ટ, ઈશ સોઢી,જેકબ ડુફી