‘ન્યૂઝીલેન્ડ સાથે આ મારી છેલ્લી મેચ’, રોહિત-કોહલીને હંફાવનારો બોલર થયો ભાવુક

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
Trent Boult Retirement


Trent Boult Took Retirement: રોહિત શર્માને 8 વખત અને વિરાટ કોહલીને 6 વખત આઉટ કરનાર ટ્રેન્ટ બોલ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. ન્યૂઝીલેન્ડના દિગ્ગજ બોલર ટ્રેન્ટ બોલ્ટે T20 વર્લ્ડકપમાં પાપુઆ ન્યુગીની સામે છેલ્લો મેચ રમ્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમ T20 વર્લ્ડકપમાં સુપર-8માંથી બહાર થયા બાદ બોલ્ટે જાહેર કર્યું હતું કે આ તેનો છેલ્લો T20 વર્લ્ડકપ છે. ત્યાર બાદ તે આ ફોર્મેટમાં નહી રમે. છેલ્લો મેચમાં પાપુઆ ન્યુગીની સામે બોલ્ટે 2 વિકેટ ઝડપી હતી.

શાનદાર કારકિર્દી રહી છે બોલ્ટની

ટ્રેન્ટ બોલ્ટની નિવૃત્તિને લીધે ન્યૂઝીલેન્ડના બોલિંગ આક્રમણ પર અસર થશે. જેની ભરપાઈ કરવી મુશ્કેલ છે. બોલ્ટ દુનિયાના એ સર્વશ્રેષ્ઠ બોલરમાં સામેલ છે કે જે પહેલી જ ઓવરમાં વિકેટ મેળવવા માટે જાણીતા છે. બોલ્ટની બીજી ખાસિયત હતી કે તે હંમેશા દિગ્ગજ બેટરની વિકેટ ફટાફટ ઝડપી લેતો હતો. ભારતીય ટીમમાં બોલ્ટે રોહિત શર્મા, વિરાટ કોહલી, શિખર ધવન અને ચેતેશ્વર પૂજારાને સૌથી વધુ વખત આઉટ કર્યા છે. બોલ્ટ અને રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય મેચમાં 20 વખત એકબીજા સામે ટકરાયા હતા. જેમાં બોલ્ટે રોહિતને 8 વખત આઉટ કર્યો હતો. જયારે કોહલીને 27 મેચમાં 6 વાર પોતાનો શિકાર બનાવ્યો હતો.

જો વર્લ્ડકપની વાત કરીએ તો રૂટ, એલિસ્ટર કૂક, જોની બેરસ્ટો અને ક્વિન્ટન ડી કોક જેવા ખેલાડીઓ બોલ્ટના પ્રિય શિકાર રહ્યા છે. બોલ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં (ત્રણેય ફોર્મેટ)માં જો રૂટને 13 વખત, જોની બેયરસ્ટોને 10 વખત અને એલિસ્ટર કૂકને 9 વખત આઉટ કર્યા હતા. તેણે ટેસ્ટ મેચમાં 317 વિકેટ લીધી છે. વનડે ક્રિકેટમાં તેના નામે 211 વિકેટ છે. 61 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 83 વિકેટ લીધી હતી.

બોલ્ટે આપ્યા હતા નિવૃત્તિ લેવાના સંકેત

ટ્રેન્ટ બોલ્ટે 2 વર્ષ પહેલા જ નિવૃત્તિના સંકેત આપી દીધા હતા. તેણે ન્યૂઝીલેન્ડ ક્રિકેટના વાર્ષિક કોન્ટ્રાક્ટની ઓફરને ફગાવી દીધી હતી. ત્યારબાદ બોલ્ટ ન્યૂઝીલેન્ડ માટે મહત્ત્વપૂર્ણ શ્રેણીઓમાં જ રમતો હતો. જેથી તેની ટીકા પણ થઇ રહી હતી. પરંતુ તેના બચાવમાં સમર્થકોનું કહેવું હતું કે, બોલ્ટ વારંવાર ઈજાગ્રસ્ત થઈ રહ્યો છે અને તેની કારકિર્દીને લંબાવવા માટે તેને ટેસ્ટ અને વનડે ફોર્મેટથી દૂર રહેવું જરૂરી હતું. આ અનુસાર બોલ્ટ વનડે અને ટેસ્ટ મેચથી દૂર રહ્યો. જેથી તેની ક્રિકેટ કારકિર્દી લાંબી ચાલી શકે. 




Google NewsGoogle News