Get The App

PAK vs NZ: ચેમ્પિયન્સ ટ્રૉફીની પહેલી જ મેચ હાર્યું પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ 60 રને જીત્યું

Updated: Feb 19th, 2025


Google NewsGoogle News
PAK vs NZ: ચેમ્પિયન્સ ટ્રૉફીની પહેલી જ મેચ હાર્યું પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ 60 રને જીત્યું 1 - image


PAK vs NZ: પાકિસ્તાનના કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાયેલા ICC ચેમ્પિયન્સ ટ્રૉફી 2025ના પહેલા મુકાબલામાં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 60 રનથી હરાવ્યું છે. ટૉસ હારીને પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 320 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 321 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 47.2 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ અને માત્ર 260 રન જ બનાવી શકી.

ન્યૂઝીલેન્ડના લેથમ અને વિલ યંગની સદી

ન્યૂઝીલેન્ડ તરફથી બેટિંગ કરતા કેપ્ટન ટોમ લેથમે 104 બોલ પર અણનમ 118 રન ફટકાર્યા હતા. જ્યારે વિલ યંગે 113 બોલ પર 107 રન બનાવ્યા હતા. આ સિવાય ગ્લેન ફિલિપ્સે 39 બોલ પર 61 રન બનાવ્યા હતા. આ બેટરોની ઇનિંગના સહારે ન્યૂઝીલેન્ડે 5 વિકેટ ગુમાવીને 320 રન બનાવ્યા હતા. બોલિંગમા વિલ ઓરુરકે અને મિચેલ સેન્ટનરે ત્રણ-ત્રણ વિકેટ ઝડપીને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

પાકિસ્તાનની ખરાબ શરૂઆત

ચેમ્પિયન્સ ટ્રોફીમાં મોહમ્મદ રિઝવાનની આગેવાની હેઠળની પાકિસ્તાનની ટીમની શરૂઆત ખરાબ રહી. પાકિસ્તાન તરફથી ખુશદીલ શાહે 49 બોલમાં 69 રન જ્યારે બાબર આઝમે 90 બોલમાં 64 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત બોલિંગમાં નસીમ શાહ અને હારિસ રઉફે બે-બે વિકેટ ઝડપી હતી.

પાકિસ્તાન સામે પડકાર

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાન કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ટૂર્નામેન્ટની પહેલી જ મેચમાં પાકિસ્તાનની હાર થતા પાકિસ્તાનના ક્રિકેટ ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. આ સિવાય હવે પાકિસ્તાન સામે પડકાર છે કે જો તેણે સેમિફાઇનલમાં જગ્યા બનાવવી હોય તો તેને પોતાનીગ્રુપની આગામી બંને મેચો જીતવી પડશે. નહીંતર તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ જશે. નોંધનીય છે કે, પાકિસ્તાનની આગામી મેચ ભારતીય ટીમ વિરૂદ્ધ 23 ફેબ્રુઆરીએ અને ત્રીજી અને છેલ્લી મેચ બાંગ્લાદેશ સામે 27 ફેબ્રુઆરીએ રમવાની છે.

પાકિસ્તાનની પ્લેઇંગ 11: ફખર ઝમાન, બાબર આઝમ, સઈદ શકીલ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર/કેપ્ટન), સલમાન આગા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રૌફ, અબરાર અહેમદ.

ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ 11: વિલ યંગ, ડેવોન કૉનવે, કેન વિલિયમસન, ડેરિલ મિચેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), મેટ હેનરી, નાથન સ્મિથ, વિલ ઓ'રોર્ક.

ચેમ્પિયન્સ ટ્રોફી જૂથો

ગ્રુપ A: પાકિસ્તાન, ભારત, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ

ગ્રુપ B: દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઇંગ્લેન્ડ


Google NewsGoogle News