Get The App

લોકસભા ચૂંટણી પહેલા દિગ્ગજ આદિવાસી નેતાએ બનાવ્યું નવું સંગઠન, રાજકીય પક્ષોમાં ખળભળાટ

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
લોકસભા ચૂંટણી પહેલા દિગ્ગજ આદિવાસી નેતાએ બનાવ્યું નવું સંગઠન, રાજકીય પક્ષોમાં ખળભળાટ 1 - image


Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીને લઈને હાલમાં સમગ્ર દેશમાં ધમધમાટ ચાલી રહ્યો છે. વિવિધ રાજકીય પાર્ટીઓ પોતાના સોગઠાં ગોઠવી રહી છે. હવે દક્ષિણ ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા દ્વારા નવા સંગઠન 'ભારતીય આદિવાસી સેના'ની સ્થાપના કરવામાં આવી છે. જેને લઈને આદિવાસી વિસ્તારના ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ચિંતામાં મૂકાયા છે.

ભારતીય આદિવાસી સેના નામના સંગઠનની સ્થાપના

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં એક નવા સંગઠનની રચના થઈ છે. ગુજરાતના દબંગ નેતા અને ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ ભારતીય આદિવાસી સેના નામના સંગઠનની સ્થાપના કરી છે. આ નવા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા બન્યા છે. નવા સંગઠન માટે હોદ્દેદારોની આગામી સમયમાં વરણી કરાશે. મહત્વનું છે કે, છોટુ વસાવા આદિવાસી સમાજના દિગ્ગજ નેતા છે અને તેઓ 7 વખત ઝઘડિયાની બેઠક પર ધારાસભ્ય રહી ચૂક્યા છે. જોકે તેમણે ગત ચૂંટણી લડી ન હતી.

છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા

છોટુ વસાવાના પુત્ર BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા. મહેશ વસાવાએ ગાંધીનગરના કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. મહેશ વસાવાની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા હતા. મહત્વનું છે કે, આદિવાસીઓમાં છોટુ વસાવા 'દાદા' અને મહેશ વસાવા 'ભાઈ' તરીકે ઓળખાય છે. પરંતુ પિતા-પુત્ર વચ્ચે ગત વિધાનસભા ચૂંટણી સમયે વિખવાદ શરૂ થયો હતો. ઝઘડિયા બેઠક પરથી ચૂંટણી લડવાને લઈને પિતા છોટુ વસાવા અને પુત્ર મહેશ વસાવા વચ્ચે વિવાદ સર્જાયો હતો.

ભરૂચ બેઠક પર ખરાખરીનો જંગ

જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે આદિવાસી વિસ્તારના રાજકારણમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. થોડા દિવસ પહેલા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ કેસરિયા કર્યા હતા. ત્યારબાદ હવે પિતા છોટુ વસાવાએ નવા સંગઠનની જાહેરાત કરી છે. બીજી તરફ ઝઘડિયાના ધારાસભ્ય ચૈતર વસાવા ભરૂચ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવાના છે. ચૈતર વસાવાએ છોટુ વસાવા સાથે રાજકારણની શરૂઆત કરેલી અને મહેશ વસાવાના ખાસ સાથીદાર હતા. જોકે AAP-BTPનું ગઠબંધન તૂટી ગયા બાદ ચૈતર વસાવા BTPને રામ રામ કહીને AAPમાં જોડાયા હતા. તો ભરૂચ બેઠક પર ભાજપ સતત 35 વર્ષથી રાજ કરી રહ્યું છે, હવે ત્યાં આમ આદમી પાર્ટી દાવ લગાવવા જઈ રહી છે. તો ભાજપના મનસુખ વસાવા ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવાના છે. ત્યારે હવે આ બેઠક પર ખરાખરીનો જંગ જામશે.



Google NewsGoogle News