Get The App

ભારતના 5 મેડલ પર ભારે પડ્યો પાકિસ્તાનનો એક ગોલ્ડ, અરશદે આપ્યો બેવડો ઝટકો

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
javelin Throw

Image: IANS


Neeraj chopra vs Arshad nadeem Javelin Throw in Paris olympics 2024: પેરિસ ઓલિમ્પિક્સ 2024માં 'જેવલિન થ્રો'ની ફાઇનલ ઇવેન્ટમાં પાકિસ્તાનના અરશદ નદીમે ભારતના નીરજ ચોપરાને આકરી ટક્કર આપી હરાવ્યો છે. અરશદે 92.97 મીટરનો જેવલિન થ્રો કરી ગોલ્ડ જીતવાની સાથે ઓલિમ્પિકમાં સૌથી દૂર જેવલિન થ્રો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. નીરજે 89.45 મીટર જેવલિન થ્રો કરી ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. આ ઇવેન્ટમાં ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે 88.54 મીટર જેવલિન થ્રો સાથે બ્રો્ન્ઝ જીત્યો હતો. આમ, પાકિસ્તાનનો એક ગોલ્ડ મેડલ પેરિસ ઓલિમ્પિકમાં ભારતે જીતેલા અત્યાર સુધીના 5 મેડલ સામે નીખરી આવ્યો છે.

નીરજ ચોપરા 8 ઑગસ્ટે રાત્રે 11:45 વાગ્યે પેરિસમાં જેવલિન થ્રો કર્યો હતો, ત્યારે એવી અપેક્ષા હતી કે તેઓ ભારતને આ ઓલિમ્પિકનો પહેલો ગોલ્ડ અપાવશે, પરંતુ પાકિસ્તાની એથ્લેટ અરશદ નદીમે પાકિસ્તાનને 92.97 મીટરના રૅકોર્ડ અંતરે જેવલિન થ્રો કરી ગોલ્ડ મેડલ જીતવાની સાથે ભારતને મોટો આંચકો આપ્યો હતો.

પાકિસ્તાન મેડલ ટેબલમાં ભારત કરતાં આગળ

પાકિસ્તાન હવે એક ગોલ્ડ મેડલ જીત્યા બાદ મેડલ ટેબલમાં(9 ઑગસ્ટના સવારે 6 વાગ્યા સુધી) 53માં સ્થાને છે. જ્યારે ભારત તેનાથી 11 સ્થાન નીચે 64માં ક્રમે છે. ભારતે પેરિસ ઓલિમ્પિકમાં નીરજના 1 સિલ્વર સહિત 4 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ભારતને હોકીમાં એક બ્રોન્ઝ મેડલ મળ્યો છે, જ્યારે 3 બ્રોન્ઝ મેડલ શૂટિંગમાં આવ્યા છે.

આ પણ વાંચોઃ 'હું સ્વીકારું છું કે...', ગોલ્ડ મેડલ ચૂકી જતાં નીરજનું દર્દ છલકાયું, સાથે કરી મોટી ભવિષ્યવાણી

તેનો અર્થ એ થાય છે કે, પાકિસ્તાનનો ગોલ્ડ મેડલ ભારત કરતાં વધુ છે. જેના કારણે પાકિસ્તાન મેડલ ટેબલમાં ભારતથી ઉપર પહોંચી ગયું છે. અરશદ નદીમે મેડલ જીતીને બેવડો ફટકો આપ્યો છે. કરોડો ભારતીયોની અપેક્ષા પર પાણી ફેરવવાની સાથે ઓલિમ્પિક ગેમ્સમાં રૅકોર્ડ પણ બનાવ્યો છે, અને મેડલ ટેબલમાં ભારત કરતાં પાકિસ્તાન આગળ નીકળી ગયું છે.

અરશદનો આ મેડલ 1992ના ઓલિમ્પિક પછી પાકિસ્તાનનો પહેલો મેડલ હતો, અગાઉ પાકિસ્તાનની હોકી ટીમે બાર્સેલોનામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એટલે કે અરશદ દ્વારા પાકિસ્તાન 32 વર્ષ બાદ કોઈ મેડલ જીતવામાં સફળ થયું છે. અરશદ નદીમ પાકિસ્તાનનો પહેલો ખેલાડી બન્યો જેણે વ્યક્તિગત ઇવેન્ટમાં પોતાના દેશ માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હોય.

અરશદે 92.97 મીટરના થ્રો સાથે ઓલિમ્પિક રૅકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. અરશદે નોર્વેના એન્ડ્રેસ થોર્કિલ્ડસનનો રૅકોર્ડ તોડ્યો હતો. એન્ડ્રેસે 23 ઑગસ્ટ, 2008ના રોજ બેઇજિંગ ઓલિમ્પિકમાં 90.57 મીટર જેવલિન થ્રો કરી આ રૅકોર્ડ બનાવ્યો હતો.

નીરજે પોતાનો જ રેકોર્ડ તોડ્યો

નીરજે અગાઉ ટોક્યો ઓલિમ્પિકમાં 87.58 મીટર દૂર જેવલિન થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. પેરિસમાં તેનાથી દૂર 89.45 મીટરના અંતરે જેવલિન થ્રો કર્યો હોવા છતાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

આ પણ વાંચોઃ નીરજની સિલ્વર સિધ્ધી, હોકીમાં બાવન વર્ષે સતત બીજો બ્રોન્ઝ

જેવલિન થ્રોમાં 98.48નો વર્લ્ડ રેકોર્ડ

જેવલિન થ્રોમાં વર્લ્ડ રૅકોર્ડ ચેક રિપબ્લિકના એક ખેલાડીના નામે છે. ત્રણ વખતના વિશ્વ ચેમ્પિયન અને ઓલિમ્પિક ચેમ્પિયન, ચેક રિપબ્લિકના અનુભવી એથ્લેટ જાન ઝેલેઝનીએ 1996માં જર્મનીમાં એથ્લેટિક્સ સ્પર્ધા દરમિયાન 98.48 મીટર જેવલિન થ્રો કરી પુરુષ કેટેગરીમાં સૌથી દૂર જેવલિન થ્રો કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

ભારતના 5 મેડલ પર ભારે પડ્યો પાકિસ્તાનનો એક ગોલ્ડ, અરશદે આપ્યો બેવડો ઝટકો 2 - image


Google NewsGoogle News