નીરજ ચોપરા જેવલીન થ્રોની ફાઈનલમાં : ક્વોલિફાઈંગમાં બીજા સ્થાને રહ્યો
- નીરજે ઓલિમ્પિક ગોલ્ડ કરતાં પણ વધુ સારો દેખાવ કરતા ૮૮.૩૯ મીટરનો થ્રો કર્યો
- પહેલીવાર વર્લ્ડ એથ્લેટિક્સમાં ભારતના બે જેવલીન થ્રોઅર્સ ફાઈનલમાં
યુજીન, તા.૨૨
ટોક્યો
ઓલિમ્પિકના ગોલ્ડન સુપરસ્ટાર નીરજ ચોપરાએ હવે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ
ભારતને સૌપ્રથમ ગોલ્ડ મેડલ અપાવવાની તૈયારી કરી લીધી છે. અમેરિકાના યુજીનમાં ચાલી
રહેલી વર્લ્ડ એથ્લેટિક્સની મેન્સ જેવલિન થ્રો ઈવેન્ટમાં નીરજે પહેલા જ પ્રયાસમાં
૮૮.૩૯ મીટરના થ્રો સાથે ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. નીરજ ક્વોલિફાઈંગમાં બીજા
સ્થાને રહ્યો હતો. જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગ્રેનાડાનો એન્ડરસન પીટર્સ
૮૯.૯૧મીટરના થ્રો સાથે પ્રથમ સ્થાને રહ્યો હતો. નોંધપાત્ર છે કે, નીરજે ટોક્યો
ઓલિમ્પિકમાં ૮૭.૫૮ મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
વર્લ્ડ
એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં ભારત અત્યાર સુધીમાં એકમાત્ર મેડલ જીતી શક્યું
છે. ભારતને મહિલાઓની લોંગ જમ્પ ઈવેન્ટમાં અંજુ બોબી જ્યોર્જે ૨૦૦૩ની પેરિસ વર્લ્ડ
ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. હવે નીરજ ભારતને વર્લ્ડ એથ્લેટિક્સ
ચેમ્પિયનશિપમાં સૌપ્રથમ ગોલ્ડ મેડલ અપાવે તેવી આશા રાખવામાં આવી રહી છે.
મેન્સ
જેવલીન થ્રો ઈવેન્ટમાં ભારતનો રોહિત યાદવ પણ સ્પર્ધામાં હતો. તેણે પહેલા જ થ્રોમાં
૮૦.૪૨મીટરનું અંતર હાંસલ કર્યું હતુ અને તે ફાઈનલમાં ક્વોલિફાય થયેલા ૧૨ જેવલીન
થ્રોઅર્સમાં ૧૧માં સ્થાને રહ્યો હતો. આ સાથે પહેલીવાર વર્લ્ડ એથ્લેટિક્સની જેવલીન
થ્રો ઈવેન્ટમાં ભારતના બે ખેલાડીઓ ફાઈનલમાં પ્રવેશ્યા હતા.
એન્ડરસનને
૮૯.૯૧ અને નીરજે ૮૮.૩૯ મીટરના થ્રો સાથે ટોચના બે સ્થાન મેળવ્યા હતા. ત્રીજો ક્રમ
જર્મનીના જુનિયર વેબેરને મળ્યો હતો. તેણે પણ પહેલા જ પ્રયાસમાં ૮૭.૨૮ મીટરનો થ્રો
કર્યો હતો. જ્યારે ચેક રિપબ્લિકનો જાકુબ વાલ્ડેજ્ચ ૮૫.૨૩ મીટરના થ્રો સાથે ચોથા
સ્થાને રહ્યો હતો. આમ હવે ફાઈનલમાં ખરાખરીની સ્પર્ધા તો ડિફેન્ડિંગ ચેમ્પિયન
ગ્રેનાડાના પીટર્સ અને ભારતના નીરજ ચોપરા વચ્ચે જ જોવા મળશે તેમ લાગી રહ્યું છે.
અગાઉ બંને સ્પર્ધકો સ્ટોકહોમ ડાયમંડ લીગમાં સ્પર્ધામાં ઉતર્યા હતા. તેમાં એન્ડરસન
પ્રથમ અને નીરજ બીજા સ્થાને રહ્યો હતો. નીરજે ત્યારે જ ૯૦ મીટરના અંતરને હાંસલ
કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. તે હવે ભારતીય સમય પ્રમાણે રવિવારે સવારે યોજાનારી
ફાઈનલમાં કમાલ કરી શકે છે.