VIDEO: અરે નહીં... નીરજ ચોપરા અને મનુ ભાકર વાત કરતાં હતા, મમ્મી ફોટો પાડવા ગયા તો શૂટર શરમાઈ ગઈ!
Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક પૂરો થઈ ગયો છે. ભારતે 6 મેડલ સાથે આ અભિયાનનો અંત આણ્યો છે. જેમાંથી બે મેડલ તો શૂટિંગમાં મનુ ભાકરના શાનદાર દેખાવના આધારે ભારતને મળ્યા હતા. નીરજ ચોપરાએ સતત બીજા ઓલિમ્પિકમાં ભારતને મેડલ અપાવ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા ભાલાફેંકમાં સિલ્વર મેડલ જીત્યો છે. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયોઝ વાયરલ થઈ રહ્યા છે જેના કારણે લોકો અફવા ઉડાવવા લાગ્યા છે કે મનુ ભાકર અને નીરજ ચોપરા એકબીજા સાથે લગ્ન સંબંધમાં બંધાઈ શકે છે.
એક વીડિયોમાં નીરજ અને મનુ ભાકર એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા. જેમાં એવું લાગી રહ્યું છે કે શરમના કારણે બંને એકબીજા સાથે નજર પણ મેળવી શકતા નથી. જો કે આ વિડિયોના અંતમાં મનુ ભાકરની મમ્મી બંનેનો ફોટો પાડવા ગયા તો મનુએ હસીને કહ્યું હતું કે, 'અરે નહીં નહીં.' આ સમીકરણ પરથી સોશિયલ મીડિયામાં અફવા ઊડી હતી કે બંનેના સંબંધની ચર્ચા થતી હોય તેવી શક્યતા છે.
સોશિયલ મીડિયા પર અન્ય એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં મનુ ભાકરની માતા નીરજ ચોપરા સાથે વાત કરતાં દેખાય છે. ત્યાર બાદ તેઓ નીરજ ચોપરાનો હાથ પકડીને પોતાના માથે મૂકી રહ્યા છે. આ વાતચીતના વીડિયો પર ચાહકોએ રસપ્રદ પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું હતું. લોકોએ જાતજાતની કૉમેન્ટ કરીને બંનેણે પરણાવી દેવાની ભલામણ પણ કરી દીધી હતી.
નીરજ જેવલિન થ્રોમાં સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીતનાર એકમાત્ર ભારતીય છે તો મનુ ભાકરે પણ પેરિસ ઓલિમ્પિકમાં એક નહીં પરંતુ બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. મનુએ તેનો પહેલો મેડલ 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં જીત્યો હતો. ત્યારબાદ તેણે સરબજોત સિંહ સાથે મળીને 10 મીટર એર પિસ્તોલની મિશ્ર ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો. આ સાથે મનુ ભાકર આઝાદી પછી એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી ભારતની પ્રથમ ખેલાડી બની છે.