નીરજ ચોપરા સાથે દીકરીના લગ્નની અફવા અંગે મનુ ભાકરના પિતાનો ખુલાસો, જુઓ શું કહ્યું
Manu Bhaker: સોશિયલ મીડિયા પર ઓલિમ્પિક મેડલ વિજેતાઓ નીરજ ચોપરા અને મનુ ભાકરના કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા હતા જેના કારણે લોકો અફવા ઉડાવવા લાગ્યા છે કે મનુ ભાકર અને નીરજ ચોપરા એકબીજા સાથે લગ્ન સંબંધમાં બંધાઈ શકે છે. જો કે આ બાબત પર હવે મનુ ભાકરના પિતાજીએ સ્પષ્ટતા કરી દીધી છે.
બન્યું એવું કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ એક વીડિયોમાં નીરજ અને મનુ ભાકર એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા. વીડિયોમાં એવું લાગી રહ્યું હતું કે શરમના કારણે બન્ને એકબીજા સાથે નજર પણ નથી મેળવી શકતા. જો કે આ વીડિયોના અંતમાં મનુ ભાકરની મમ્મી બન્નેનો ફોટો પાડવા ગયા તો મનુએ હસીને કહ્યું હતું કે, 'અરે નહીં નહીં.' આ પરથી જ લોકોએ જાતે સમીકરણ બાંધવાનું શરુ કરી દીધું હતું અને સોશિયલ મીડિયામાં અફવા ઊડી હતી કે બન્નેના સંબંધની ચર્ચા થતી હોય તેવી શક્યતા છે.
હવે મનુ ભાકરના પિતા રામ કિશન ભાકરે પોતે આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા કહ્યું છે કે, ‘મનુ હજુ લગ્ન વિશે વિચારવા માટે ખૂબ નાની છે. તે હજુ લગ્નની ઉંમરની નથી થઈ. અત્યારે અમે એ અંગે બિલકુલ વિચારતા નથી.’ તેમણે મનુ ભાકરના માતા સુમેઘા ભાકર અને નીરજ વચ્ચેના વીડિયો પર કહ્યું હતું કે, મારી પત્ની નીરજને પુત્ર જેવો માને છે.
તો સામે પક્ષે નીરજના કાકાએ પણ આ અટકળોને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે, 'નીરજના લગ્ન એક મોટો જાહેર કાર્યક્રમ હશે અને જ્યારે પણ થશે ત્યારે બધાને ખબર પડી જશે. નીરજે મેડલ જીત્યો ત્યારે આખા દેશને ખબર પડી ગઈ હતી. એ જ રીતે જ્યારે તે લગ્ન કરશે ત્યારે પણ બધાને ખબર પડી જ જશે.'
તાજેતરમાં સમાપ્ત થયેલા 2024 પેરિસ ઓલિમ્પિકમાં, મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. તે ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર બની છે. ટોક્યો 2020 ઓલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.