પેરિસમાં ભારતનું રાષ્ટ્રગાન ન વાગી શક્યું...: સિલ્વર મેડલ જીત્યા બાદ છલકાયું નીરજ ચોપરાનું દર્દ
Neeraj Chopra chopra's Massage to Indians: ટોક્યો ઓલિમ્પિકનો ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિકમાં જેવલિન થ્રોના ફાઇનલમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવાથી ચૂકી ગયો હતો. નીરજે 89.45 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ પોતાના નામ કર્યો હતો. જો કે, જેવલિન થ્રોના ફાઇનલ બાદ ગોલ્ડ ન જીતવાનો અફસોસ નીરજના ચહેરા પર જોવા મળ્યો હતો. મેડલ સેરેમની દરમિયાન પણ મેડલ લઈ તે ચૂપચાપ જતો રહ્યો હતો. પાકિસ્તાનના અરશદ નદીમે ગોલ્ડ મેડલ જીતતાં મેડલ સેરેમની દરમિયાન પાકિસ્તાનનું રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું હતું. જે અંગે હવે નીરજ ચોપરાએ મોટું નિવેદન આપ્યું છે.
નીરજે દેશવાસીઓને આપ્યો સંદેશ
નીરજે પેરિસમાં ભલે સિલ્વર મેડલ જીત્યો હોય પરંતુ આગામી ઓલિમ્પિકમાં તે ગોલ્ડ મેડલ જીતવા ફરી પ્રયાસ કરશે. આ દરમિયાન નીરજ ચોપરાએ દેશવાસીઓને એક સંદેશ આપ્યો છે. નીરજ ચોપરા એ એક્સ પર લખ્યું કે, ઓલિમ્પિક રમતોમાં ભારત માટે વધુ એક મેડલ જીતીને ખૂબ સારું લાગ્યું. આ વખતે પેરિસમાં આપણું રાષ્ટ્રગાન ન વાગી શક્યું, પરંતુ આગળની મહેનત તે જ ક્ષણ માટે હશે.
લોકો જલ્દી ભૂલી જાય છે
આ દરમિયાન નીરજે પેરિસ ઓલિમ્પિકમાં અયોગ્ય ઠરાયેલી ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટ અંગે પણ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. નીરજે કહ્યું કે, મેડલ મળે તો સારું રહેશે, પરંતુ જો મેડલ મળે તો લોકો તમને માત્ર થોડાક દિવસો સુધી જ યાદ કરશે. જો તમે પોડિયમ ફિનિશ નથી કરતાં તો લોકો બહુ જલ્દી ભૂલી જાય છે. નીરજે કહ્યું કે, મને બસ આ જ વાતનો ડર છે કે જો વિનેશને મેડલ નહીં મળે તો લોકો તેને ભૂલી જશે.
ઓલિમ્પિકમાં નીરજની શાનદાર હતી એન્ટ્રી
નોંધનીય છે કે છઠ્ઠી ઑગસ્ટે પેરિસ ઓલિમ્પિકમાં જેવલીન થ્રો માટેનો ક્વૉલિફિકેશ રાઉન્ડ હતો. ભારતીય સ્ટાર નીરજ ચોપરાએ પહેલા જ પ્રયાસમાં 89.34 મીટરનો થ્રો કરીને ક્વોલિફાઇ કર્યું હતું.
ટોક્યો ઓલિમ્પિકમાં રચ્યો હતો ઇતિહાસ
નોંધનીય છે કે ત્રણ વર્ષ અગાઉ સાતમી ઑગસ્ટે ટોક્યો ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ઇન્ડિવિઝ્યુલ ગોલ્ડ મેડલ જીતનાર તે માત્ર બીજો એથ્લિટ હતો. તે બાદ નીરજે વર્લ્ડ ચેમ્પિયનશીપ અને ડાયમંડ લીગમાં પણ જીત હાંસલ કરીને સુવર્ણ ઇતિહાસ અંકિત કર્યો છે.
નીરજ ચોપરાની સિદ્ધિઓ
ટોક્યો ઓલિમ્પિક 2021 - ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2018 - ગોલ્ડ મેડલ
કોમનવેલ્થ ગેમ્સ 2018 - ગોલ્ડ મેડલ
એશિયન એથ્લેટિકસ ચેમ્પિયનશીપ 2017 - ગોલ્ડ મેડલ
વર્લ્ડ U-20 એથ્લેટિકસ ચેમ્પિયનશીપ 2016 - ગોલ્ડ મેડલ
એશિયન જુનિયર ચેમ્પિયનશીપ 2016 - સિલ્વર મેડલ