Paris Olympics: આજે ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર, બંને દેશોના એથલિટ્સ વચ્ચે મેડલ માટે જામશે જંગ

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
Paris Olympics: આજે ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર, બંને દેશોના એથલિટ્સ વચ્ચે મેડલ માટે જામશે જંગ 1 - image

Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકસમાં આજે ભારત અને પાકિસ્તાનની ટક્કર જોવા મળશે. બંને દેશના રમતપ્રેમીઓને હંમેશા ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાની રાહ જોતા હોય છે. બંને દેશના ખેલાડીઓ વચ્ચે કઈ ઇવેન્ટમાં સ્પર્ધા થશે એ ચાલો જાણીએ.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ સ્પર્ધા એથ્લેટિક્સની ઇવેન્ટમાં જોવા મળશે. એથ્લેટિક્સમાં ભાલા ફેંક ઈવેન્ટમાં ભારત તરફથી ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા પોતાનો પડકાર રજૂ કરશે, જ્યારે પાકિસ્તાન તરફથી અરશદ નદીમ આ ઈવેન્ટમાં પોતાની તાકાત રજૂ કરશે. ગોલ્ડ મેડલ જીતવા માટે બંને એથ્લીટ પ્રબળ દાવેદાર છે. આ સ્થિતિમાં બંને દેશના એથ્લીટ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે.

ભારત અને પાકિસ્તાનનું ઓલિમ્પિકસમાં પ્રદર્શન

ભારત માટે અત્યાર સુધીમાં પેરિસ ઓલિમ્પિકસમાં પ્રદર્શન ઉતાર-ચડાવભર્યું રહ્યું છે. ભારત અત્યાર સુધીમાં ત્રણ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરવામાં સફળ રહ્યું છે. જયારે પાકિસ્તાને અત્યાર સુધીમાં એક પણ મેડલ જીત્યો નથી. તે પોઈન્ટ ટેબલમાં 162માં સ્થાન પર છે. ભારતે પોતાના ત્રણેય મેડલ શૂટિંગમાં મેળવ્યા છે. ઘણી સ્પર્ધામાં ભારત નજીકના અંતરથી મેડલ જીતવાથી ચૂકી ગયું હતું. હવે ભારતે ને આગામી હોકી, કુશ્તી અને એથ્લેટિક્સ ઈવેન્ટ્સમાં મેડલ જીતવાની આશા છે.

આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિક : ટેબલ ટેનિસમાં મનિકા બત્રાએ રચ્યો ઈતિહાસ, રોમાનિયાને હરાવી ભારતની ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી

છેલ્લા 3 વર્ષની લગભગ દરેક ઈવેન્ટમાં નીરજે મેડલ જીત્યા

ભારતને હવે નીરજ ચોપરા પાસેથી ગોલ્ડ મેડલની આશા છે. અગાઉ ટોક્યો ઓલિમ્પિકસમાં નીરજ ચોપરાએ ભલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ત્યારે ભારતે પહેલી વખત એથ્લેટિક્સમાં મેડલ જીત્યો હતો. ટોક્યો ઓલિમ્પિકસ બાદ નીરજે એથ્લેટિક્સની દરેક મોટી ઈવેન્ટમાં જીતી મેળવી છે. નીરજે એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ, વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ડાયમંડ લીગમાં પણ મેડલ જીત્યા છે. જો છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો નીરજે લગભગ દરેક ઈવેન્ટમાં મેડલ જીત્યા છે. આ સ્થિતિમાં નીરજ ચોપરા પાસેથી અપેક્ષાઓ વધુ રખાઈ રહી છે.

નીરજ ચોપરા અને અરશદ નદીમમાંથી કોણ ભારે?

પેરિસ ઓલિમ્પિકસમાં નીરજ ચોપરાને પાકિસ્તાનના અરશદ નદીમ તરફથી જોરદાર પડકાર મળી શકે છે. એશિયન ગેમ્સ 2018માં પહેલી વખત બંનેએ એકબીજાનો સામનો કર્યો હતો, જેમાં નીરજે ગોલ્ડ મેડલ અને અરશદ સિલ્વર મેડલ જીત્યો હતો. તે પછી બંને ટોક્યો ઓલિમ્પિક્સ, વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ડાયમંડ લીગ જેવી ટૂર્નામેન્ટમાં બંનેનો સામસામે મુકાબલો થઇ ચૂક્યો છે. અત્યાર સુધીમાં બંને 9 વખત સામસામે આવી ચૂક્યા છે, જેમાં નીરજ ચોપરા દરેક વખતે જીતવામાં સફળ રહ્યો છે. 

કયારે યોજાશે ઇવેન્ટ?

નીરજ ચોપરા અને અરશદ નદીમ ગ્રૂપ Bમાં સામેલ છે. 6 ઓગસ્ટે બપોરે 1:50 વાગ્યે ભાલા ફેંક સ્પર્ધાના ગ્રૂપ Aનો ક્વોલિફિકેશન રાઉન્ડ શરૂ થશે, ત્યારપછી તે જ દિવસે 3:20 વાગ્યે ગ્રૂપ Bનો રાઉન્ડ શરુ થશે. જો નીરજ ક્વોલિફિકેશન રાઉન્ડમાંથી સફળતાપૂર્વક આગળ વધશે, તો તે ફાઇનલમાં ભાગ લેશે. જે 8 ઓગસ્ટે ભારતીય સમય અનુસાર રાત્રે 11:55 વાગ્યે શરૂ થવાનો છે. 

Paris Olympics: આજે ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર, બંને દેશોના એથલિટ્સ વચ્ચે મેડલ માટે જામશે જંગ 2 - image



Google NewsGoogle News