'ગાબામાં બુમરાહની ખરાબ હાલત કરી નાખીશ..', ઓસ્ટ્રેલિયન બેટરની ભારતીય દિગ્ગજને ચેલેન્જ!
India vs Australia 3rd Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ 14 ડિસેમ્બરથી શરૂ થશે. જેના માટે ભારતીય ખેલાડીઓ ખૂબ મહેનત કરી રહ્યા છે. બ્રિસબેનમાં રમાનારી ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટર નાથન મેકસ્વિનીએ બુમરાહને ચેલેન્જ કર્યો છે. 25 વર્ષીય મેકસ્વીની ઓસ્ટ્રેલિયા માટે ઓપનિંગ કરવા આવ્યો હતો અને બુમરાહની સામે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. પરંતુ તેમ છતાં તેણે ગાબા ટેસ્ટ પહેલાબુમરાહ માટે ચેતવણી જાહેર કરી છે.
ગાબામાં પણ મેકસ્વીની સામે મોટો પડકાર
જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયામાં પોતાની ધારદાર બોલિંગથી બેટરને હંફાવ્યા છે. બુમરાહે પર્થ ટેસ્ટમાં 8 વિકેટ લીધી હતી જ્યારે તે એડિલેડમાં 4 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. હવે ગાબામાં પણ તેની સામે એક મોટો પડકાર રાહ જોઈ રહ્યો છે.
જાણો ઓસ્ટ્રેલિયન ઓપનર નાથન મેકસ્વીનીએ શું કહ્યું
ઓસ્ટ્રેલિયન ઓપનર નાથન મેકસ્વીનીએ કહ્યું કે, 'તમારી કારકિર્દીની શરૂઆતમાં જસપ્રિત બુમરાહ જેવા બોલરનો સામનો કરવો એ મોટી વાત છે. આનાથી વધુ મુશ્કેલ શું હોઈ શકે? એડિલેડમાં તેની સામે રમીને મને થોડો આત્મવિશ્વાસ મળ્યો છે અને હું તેનો જેટલો વધુ સામનો કરીશ તેટલો જ હું તેની સામે વધુ સહજ બનીશ. તેમાં કોઈ શંકા નથી કે બુમરાહનો સામનો કરવો પડકારજનક છે, પરંતુ મને એડિલેડમાંથી થોડો આત્મવિશ્વાસ મળ્યો અને આશા છે કે તે આગળ પણ આ સિરીઝમાં ચાલુ રહેશે.'
મેકસ્વીનીએ વધુમાં કહ્યું, 'જ્યારે મેં પહેલીવાર તેનો સામનો કર્યો, ત્યારે મને જાણવા મળ્યું કે તે એક અનોખો બોલર છે. તેનો એંગલ સમજવો જરૂરી હતો. તેણે મને પર્થમાં બે ખૂબ જ સુંદર બોલ ફેંક્યા, તેથી મને વિશ્વાસ છે કે હું તેની સામે જે પણ કરીશ તે સારું જ થશે.'
કાંગારૂ બેટરે કહ્યું, 'બુમરાહે મને એડિલેડમાં ફરી પોતાનો શિકાર બનાવ્યો, પરંતુ વર્લ્ડ ક્લાસ બોલર સામે અમે જે ગેમ પ્લાન પર કામ કર્યું હતું તેનો મને આનંદ થયો. આશા છે કે, હું ગાબામાં બુમરાહ સામે સફળતાપૂર્વક પ્રદર્શન કરીશ.'
એડિલેડમાં ભારતને હરાવ્યા બાદ કાંગારૂ ટીમમાં જોશ
એડિલેડમાં ભારતને 10 વિકેટે હરાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ ઉત્સાહથી ભરેલી છે. એડિલેડ ટેસ્ટ જીતીને કાંગારૂ ટીમે પાંચ મેચોની સિરીઝ 1-1થી બરાબર કરી લીધી છે. પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને રેકોર્ડ 295 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ગત વખતે ગાબામાં ઓસ્ટ્રેલિયાને ભારતે હરાવ્યું હતું. આ વખતે કાંગારૂ ટીમ ભારતને હરાવીને પાછલી હારનો બદલો લેવાનો પ્રયાસ કરશે.