T20Iના ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યું, નામીબિયાના કેપ્ટને બનાવ્યો શરમજનક રેકોર્ડ, જોરદાર તાળીઓ પડી
T20 World Cup, Australia Vs Namibia Match: અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં ઘણાં અપસેટ સર્જાયા છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં નામીબિયાની ટીમ હાર સાથે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. મેચમાં નામીબિયાએ ઓસ્ટ્રેલિયાને 73 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે ઓસ્ટ્રેલિયાની ટીમે ફક્ત 34 બોલમાં જ ચેઝ કર્યો હતો. આ મેચમાં નામીબિયાના કેપ્ટને T20Iના ઈતિહાસનો એક શર્મનાક રેકોર્ડ પણ બનાવ્યો હતો.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી
એન્ટિગુઆ ખાતે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા નામીબિયાની ટીમ માત્ર 72 રન જ કરી શકી હતી. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ એક વિકેટ ગુમાવીને ફક્ત 34 બોલમાં ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. આ મેચમાં નામીબિયાના કેપ્ટન જેરહાર્ડ ઈરાસમસે એક T20 ઈતિહાસનો શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો. નામીબિયાની ઈનિંગ દરમિયાન ઈરાસ્મસે 17 બોલ રમ્યા બાદ પોતાનું ખાતું ખોલ્યું હતું. આ સાથે જ તે T20I મેચોના ઈતિહાસમાં સૌથી વધુ બોલ રમીને પહેલો રન બનાવનાર બેટર બની ગયો છે.
ઈરાસમસના આ રેકોર્ડ પર પ્રેક્ષકોએ તાળીઓ પાડી
નામીબિયાએ પ્રથમ બેટિંગ કરતા પાવરપ્લેમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ કેપ્ટન જેરહાર્ડ ઈરાસમસ બેટિંગ કરવા ઉતર્યા હતા. ટીમને સંકટમાંથી બહાર કાઢવા કેપ્ટને કાળજીપૂર્વક રમવાનું શરૂ કર્યું. પરંતુ કેપ્ટન ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યા હોય તેમ 17 બોલ રમ્યા બાદ એક રન કર્યો હતો. 9મી ઓવેરના ત્રીજા બોલ પર પોતાનો પ્રથમ રન કરતા જ સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં બેઠેલા પ્રેક્ષકોએ તાળી પાડવાનું શરુ કરી દીધું. આ જોઇને ઈરાસમસ પણ હસવા લાગ્યા હતા.
ટીમના અડધા રન તો કેપ્ટને જ બનાવ્યા
આ મેચમાં ઓસ્ટ્રેલિયાની બોલિંગ સામે નામીબિયાનો એક પણ ખેલાડી ટકી શક્યો નહીં. ટીમના 11માંથી 9 ખેલાડીઓ તો 10ના સ્કોર સુધી પણ પહોંચી શક્યા ન હતા. કેપ્ટન ઈરાસમસે 26 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 35 બનાવ્યા હતા. પૂરી ટીમ 72 રન કરીને સમેટાઈ ગઈ હતી. નામીબિયાની ટીમ ગ્રુપ Bમાં છે. અને સતત બે હાર બાદ વર્લ્ડકપની બહાર થઈ ગઈ છે.