'અરે એ કોચ છે...', ભારતીય ટીમના 'સ્ટાર'ને પોલીસે રોક્યો અને પૂછપરછ કરી, વીડિયો થયો વાયરલ
IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે સીરિઝ ગુરુવારથી શરૂ થઈ રહી છે. આ સીરિઝની પહેલી મેચ નાગપુરમાં રમાશે. ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ ત્યાં પહોંચી ગયા છે, પરંતુ જ્યારે ભારતીય ખેલાડીઓ હોટલ જઈ રહ્યા હતા ત્યારે નાગપુર પોલીસે ટીમના એક સ્ટારને રોક્યો હતો.
આ સીરિઝ પહેલા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સીરિઝ રમાઈ હતી. ભારતે આ સીરિઝ 4-1થી જીતી હતી. જે ખેલાડીઓ T20 ટીમના સભ્ય નહોતા તેઓ પહેલા જ નાગપુર પહોંચી ચૂક્યા હતા. ત્યારે સપોર્ટ સ્ટાફ અને બાકીના ખેલાડીઓ ગઈકાલે નાગપુર પહોંચી ગયા હતા.
ટીમ ઈન્ડિયા નાગપુરના રેડિસન હોટેલમાં રોકાઈ છે. જ્યારે ટીમની બસ હોટલ પહોંચી અને ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે તેમનો સામાન ઉતારવાનું શરૂ કર્યું, ત્યારે નાગપુર પોલીસે થ્રો ડાઉન સ્પેશલિસ્ટ રઘુને સામાનની પાસે જતા અટકાવ્યો. જેનો વીડિયો સામે આવ્યો છે તેમાં એવું લાગે છે કે રઘુ બસથી થોડે દૂરથી આવી રહ્યો હતો અને પોતાનો સામાન લેવા જઈ રહ્યો હતો.
આ પણ વાંચો: ભારતીય ટીમમાં મોટો ફેરફાર, બુમરાહ બહાર થયો, યુવા ખેલાડીની થઈ એન્ટ્રી
પછી ત્યાં ઉભેલા એક પોલીસકર્મીએ તેમને રોક્યા. પછી બીજો પોલીસકર્મી ત્યાં આવ્યો અને તેમને રોકવા લાગ્યો. કુલ ત્રણ પોલીસકર્મીઓએ મળીને રઘુને રોક્યો. જોકે, આ સમય દરમિયાન રઘુ હસતો હતો. પછી તેણે પોતાના વિશે કહ્યું અને પોલીસે તેને જવા દીધો.
આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં વીડિયો બનાવનાર વ્યક્તિ કહી રહ્યો છે કે, "અરે, કોચ હે વો. ટીમ કે સાથ હે. બસ સે ઉતરા હે."
આ પણ વાંચો: બસ ડ્રાઇવરને પણ ખબર હતી કોહલીની નબળાઈ, આ જ ફોર્મ્યુલા અપનાવી: હિમાંશુ સાંગવાનનો ખુલાસો
ટીમની સફળતામાં ફાળો આપ્યો
રઘુને સચિન તેંડુલકર શોધી લાવ્યા હતા. તેઓ સતત ટીમ સાથે છે અને તેમનું પૂરું નામ રાઘવેન્દ્ર દ્વિવેદી છે. તેમના થ્રો ડાઉનને કારણે જ આજે ભારતીય બેટ્સમેનો સૌથી આક્રમક બોલરોને પણ સરળતાથી રમી શકે છે. વિરાટ કોહલીથી લઈને ટીમના ઘણા સ્ટાર ખેલાડીઓએ સ્વીકાર્યું છે કે રઘુ થ્રો ડાઉનમાં ખૂબ જ ઝડપી બોલિંગ કરે છે, જે તેમને પેસને રમવામાં મદદ મળે છે.