મિસ્ટ્રી સ્પીનર પણ ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં જોડાવા રેસમાં સામેલ, કોચ ગંભીરનો છે ફેવરિટ
Champions Trophy 2025, Varun Chakravarthy : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરુઆત 19 ફેબ્રુઆરીથી થશે. આ ટુર્નામેન્ટ 'હાઇબ્રિડ મોડેલ' હેઠળ પાકિસ્તાન અને દુબઈમાં રમાશે. ટુર્નામેન્ટની પહેલી મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે કરાચીમાં રમાશે. ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પોતાની પહેલી મેચ રમશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમની પસંદગી પર બધાની નજર રહેલી છે. ભારતીય ટીમની જાહેરાત 18 કે 19 જાન્યુઆરીએ થઈ શકે છે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટેની રેસમાં સ્પીનર વરુણ ચક્રવર્તી સૌથી આગળ
ઘણાં ખેલાડીઓ ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ટીમમાં પસંદગી થવા માટેની રેસમાં છે. આમાં મિસ્ટ્રી સ્પીનર વરુણ ચક્રવર્તીનું નામ સૌથી આગળ છે. વરુણ ગયા વર્ષે બાંગ્લાદેશ સામેની T20 સીરિઝ રમીને લગભગ ત્રણ વર્ષ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી હતી. તેણે પોતાની વાપસીનો બધો શ્રેય ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને આપ્યો હતો. વરુણ ગયા વર્ષે IPLની ચેમ્પિયન બનેલી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમનો ભાગ હતો. ત્યારે ગંભીર તે ટીમનો મેન્ટર હતો.
આ પણ વાંચો : VIDEO: આઉટ થતાં જ બોલર-બેટર વચ્ચે મેદાનમાં બોલાચાલી, બાંગ્લાદેશ પ્રીમિયર લીગની ઘટના
અત્યાર સુધીમાં વરુણની ક્રિકેટ કારકિર્દી
વરુણે ભારત માટે 7 T20 મેચોમાં 9.8 ના સ્ટ્રાઇક રેટથી 17 વિકેટ ઝડપી હતી. આ સિવાય વરુણે વિજય હજારે 2024-25 ટ્રોફીમાં તમિલનાડુ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. વરુણે 6 મેચમાં 4.36 ના ઇકોનોમી રેટથી 18 વિકેટ લીધી હતી. વરુણને હવે આગામી 22 જાન્યુઆરીથી શરૂ થનારી ઇંગ્લેન્ડ સામેની 5 મેચની T20 સીરિઝ માટે પસંદ કરવામાં આવ્યો છે. વરુણે ભારત માટે અત્યાર સુધીમાં 13 T20 મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે 19 વિકેટ લીધી છે. જો કે, હજુ સુધી તેણે વનડેમાં ડેબ્યૂ કર્યું નથી.