ફાસ્ટ બોલરને માથા પર વાગ્યો બોલ, મેદાન પર પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલ ખસેડાયો
બાંગ્લાદેશ પ્રીમિયર લીગની 9 મેચમાં મુસ્તફિઝુરે 11 વિકેટ ઝડપી
Image:Social Media |
Mustafizur Rahman Got Injured During Practice : બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ટ્રેનિંગ સેશન દરમિયાન માથામાં ઈજા થતાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે બાજુની નેટમાં બેટિંગ કરી રહેલા લિટન દાસે એક શોટ માર્યો જે મુસ્તફિઝુરને માથા પર વાગ્યો અને તેનું લોહી વહેવા લાગ્યું હતું. સ્ટેન્ડબાય એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવતા પહેલા મુસ્તાફિઝુરને મેદાન પર પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
મુસ્તફિઝુરને ઘા પર ટાંકા લેવા પડ્યા
સીટી સ્કેનથી બાદમાં જાણવા મળ્યું કે કોઈ પ્રકારનો આંતરિક રક્તસ્રાવ થયો નથી. ટીમના ફિઝિયો એસએમ ઝાહિદુલ ઈસ્લામ સાજલે જણાવ્યું હતું કે, “મુસ્તફિઝુરને માથામાં ઈજા થઈ હતી, જેની સારવાર કમ્પ્રેશન બેન્ડેજથી કરવામાં આવી હતી. તેને ઘા પર ટાંકા લેવા માટે સર્જિકલ પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું અને હાલમાં કોમિલા વિક્ટોરિયંસ ટીમના ફિઝિયો દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી રહી છે.”
લીગની 9 મેચમાં 11 વિકેટ ઝડપી
બાંગ્લાદેશમાં ચાલી રહેલી બાંગ્લાદેશ પ્રીમિયર લીગની 9 મેચમાં મુસ્તફિઝુર રહેમાને અત્યાર સુધી 23.91ની એવરેજથી 11 વિકેટ ઝડપી છે. તેણે મીરપુરમાં રમાયેલી આઠમી મેચમાં ફોર્ચ્યુન બારિશાલ સામે 32 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ચટગાંવમાં 14 ફેબ્રુઆરીએ રમાયેલી અંતિમ મેચમાં મુસ્તફિઝુરે 4 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ લીધી હતી. આ મેચમાં કોમિલા વિક્ટોરિયંસે 7 વિકેટથી જીત નોંધાવી હતી.