આજે અમદાવાદમાં હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી હેઠળની મુંબઈની ટીમ ગુજરાત સામે ટકરાશે

ગીલની આગેવાનીમાં ગુજરાત ટાઈટન્સ નવી શરૂઆત માટે તૈયાર: સાંજે 7:30થી મેચનો પ્રારંભ

ગુજરાત ક્યારેય સિઝનની પ્રથમ મેચ હાર્યું નથીઃ મુંબઈ છેલ્લા ૧૧ વર્ષમાં ક્યારેય સિઝનની પ્રથમ મેચ જીત્યું નથી

Updated: Mar 24th, 2024


Google NewsGoogle News
આજે અમદાવાદમાં હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી હેઠળની મુંબઈની ટીમ ગુજરાત સામે ટકરાશે 1 - image


Mumbai vs Gujarat: IPLમાં આજે ગુજરાત ટાઈટન્સની ટીમ યુવા કેપ્ટન ગીલના નેતૃત્વમાં તેના જ ભૂતપૂર્વ કેપ્ટન અને હાલ મુંબઈ ઈન્ડિયન્સનું સુકાન સંભાળી રહેલા હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમની સામે અમદાવાદમાં ટકરાશે. છેલ્લા બે વર્ષમાં હાર્દિકની કેપ્ટન્સીમાં IPLમાં શાનદાર સફળતા મેળવ્યા બાદ ગુજરાત ટાઈટન્સની નવી સફરની હવે શરૂઆત થવા જઈ રહી છે. ગુજરાત ટાઈટન્સની સફળતાને પગલે મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિકને ટીમનું સુકાન સોંપી દીધું છે. હવે તેઓ પણ વિજયી શુભારંભની આશા રાખી રહ્યા છે. અમદાવાદમાં આજે સાંજે 7:30 વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. 

MI છેલ્લે 2012માં સિઝનની પ્રથમ મેચ જીત્યું હતુ

ગુજરાત ટાઈટન્સની આ IPLમાં ત્રીજી સિઝન છે અને અગાઉ બંને સિઝનમાં ટાઈટન્સની ટીમે તેની સિઝનની પ્રથમ મેચ જીતી હતી. હવે આ વખતે ટીમ જીતની હેટ્રિક સર્જવા ઉત્સુક છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ માટે છેલ્લા 11 વર્ષથી સિઝનની પ્રથમ મેચ કડવા ઘૂંટડા સમાન રહી છે. મુંબઈ છેલ્લે 2012માં સિઝનની પ્રથમ મેચ જીત્યું હતુ. જોકે ત્યાર બાદ છેલ્લા 11 વર્ષમાં પ્રત્યેક સિઝનમાં પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે બંને ટીમો શ્રેણીમાં વિજયો શુભારંભ કરવા ઉત્સુક છે. 

મુંબઈ ઈન્ડિયન્સને નવી શરૂઆતની આશા

હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈની ટીમ પણ સ્ટાર ખેલાડીઓની ભરમાર છે. કેપ્ટન્સીના ભારેથી હળવા થયેલા રોહિતની સાથે કિશનને ઓપનિંગમાં ઉતારવામાં આવે તેવી શક્યતા પ્રબળ છે. મુંબઈની સફળતાનો આધાર બુમરાહ પર વિશેષ રહેશે. બેહરેન્ડફ અને મદુશંકાની ગેરહાજરી ટીમને પરેશાન કરશે. જોકે કોઈત્ઝી, ટીમ ડેવિડ, નાબી, શેફર્ડ, ઘુસારા, માફાકા અને વૂડ જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ કમાલ કરી શકે છે. ટીમમાં તિલકુવર્મા, ડેવાલ્ડ બ્રાવિસ, કુમાર કાર્તિકેયા ! મેચમાં હારનો જ સામનો કરવો પડયો માધવાલની સાથે ચાવલા, એસ. ગોપાલ, મુલાની, વાઢેરા અને શિવાલીક શર્મા જેવા ખેલાડીઓ પર પણ નજર રહેશે.

ગુજરાતના સ્ટાર્સ ફરી જીત માટે તૈયાર

શુભમન ગીલની આગેવાની હેઠળની ગુજરાતની ટીમ સંતુલિત અને સ્ટાર ખેલાડીઓથી ભરપૂર છે. વિલિયમસનની હાજરી બેટિંગને મજબુત બનાવશે. મીલર અને રાશિદ ખાનના દેખાવ પર પણ ટીમની સફળતાનો મોટો આધાર છે. હાર્દિકની સાથે શમીની ગેરહાજરી ટીમ માટે ફટકા સમાન છે. જોકે ઓલરાઉન્ડર ઓમરઝાઈ અને ફાસ્ટર સ્પેન્સર જોહન્સન પણ ગુજરાત તરફથી પ્રભાવ પાડવા માટે તૈયાર છે. સાઈ કિશોર અને સાઈ સુદર્શનની સાથે વિજય શંકર, એમ.શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા પર નજર રહેશે. સહા, ઉમેશ યાદવ, મોહિત શર્મા, જયંત યાદવ તેમજ માનવ સુથાર તેમજ નૂર અહમદ પણ નિર્ણાયક બની શકે. શુભમનની કેપ્ટન્સીએ સૌથી મોટું આકર્ષણ છે.

ગુજરાત (સંભવિત)

ગીલ (C), સહા (WK), શંકર, વિલિયમસન, મીલર, રાશિદ, સાઈ સુદર્શન, શાહરૂખખાન, સ્પેન્સર જોહન્સન, મોહિત શર્મા, ઉમેશ યાદવ. 

મુંબઈ (સંભવિત)

રોહિત, કિશન (WK), બ્રાવિસ, તિલક વર્મા, ટીમ ડેવિડ, નાબી, કાર્તિકેયા, કોઈત્ઝી, માધવાલ, બુમરાહ, ચાવલા.

આજે અમદાવાદમાં હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી હેઠળની મુંબઈની ટીમ ગુજરાત સામે ટકરાશે 2 - image


Google NewsGoogle News