મુંબઈ 48મી વખત રણજીની ફાઇનલમાં, સેમિ ફાઇનલમાં તમિલનાડુની ઇનિંગ અને 70 રને હાર
શાર્દુલ ઠાકુરે 104 બોલમાં 109 રનની શાનદાર ઈનિંગ રમી હતી
Image:Social Media |
Ranji Trophy 2023-24 Finalist : મુંબઈની ટીમે રણજી ટ્રોફીની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. મુંબઈએ રેકોર્ડ 48મી વખત રણજી ટ્રોફીની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. અજિંક્ય રહાણેના નેતૃત્વ હેઠળ મુંબઈએ સેમિફાઈનલમાં તમિલનાડુને એક ઇનિંગ અને 70 રનથી હરાવ્યું હતું. મુંબઈએ ગ્રુપ સ્ટેજમાં 7માંથી 5 મેચ જીતી હતી. આ સિવાય તેઓ 1 મેચ હારી ગયા અને 1 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.
શાર્દુલ બન્યો ‘પ્લયેર ઓફ ધ મેચ’
તમિલનાડુની હાર સાથે, મુંબઈની ટીમ ફાઇનલમાં પ્રવેશી હતી અને ટીમની આ જીતમાં સૌથી મોટી ભૂમિકા શાર્દુલ ઠાકુરના ઓલરાઉન્ડ પ્રદર્શનની હતી. પ્રથમ ઇનિંગમાં શાર્દુલ ઠાકુરે પોતાના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કરિયરની પ્રથમ સદી ફટકારી હતી અને 104 બોલમાં 4 છગ્ગા અને 13 ચોગ્ગાની મદદથી 109 રનની શાનદાર ઈનિંગ રમી હતી. પ્રથમ ઇનિંગમાં તેણે 2 વિકેટ ઝડપી હતી. બીજી ઇનિંગમાં પણ તેણે 2 વિકેટ ઝડપી હતી. શાર્દુલને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો.
48મી વખત મુંબઈ ફાઈનલમાં પહોંચ્યું
તામિલનાડુએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પિચ બોલરોને ઘણી મદદ કરી રહી હતી, તેથી તમિલનાડુના પ્રથમ બેટિંગના નિર્ણયને લઈને ઘણો વિવાદ થયો હતો. ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ આ નિર્ણય માટે તમિલનાડુના કેપ્ટન સાઈ કિશોરની ભારે ટીકા કરી હતી. તમિલનાડુની ટીમે પ્રથમ ઇનિંગમાં 146 રન બનાવ્યા હતા અને ત્યાર બાદ પ્રથમ ઇનિંગમાં મુંબઈની ટીમે શાર્દુલ ઠાકુરની સદી તેમજ મુશીર શાન અને તનુષ કોટિયનની ફિફ્ટીના આધારે 378 રન બનાવ્યા અને 232 રનની લીડ મેળવી હતી. આ પછી બીજી ઈનિંગમાં તમિલનાડુની બેટિંગ ફરી એકવાર સારી રહી ન હતી અને ટીમ 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને મુંબઈનો ઇનિંગ્સ અને 70 રને વિજય થયો હતો. મુંબઈની ટીમે 48મી વખત રણજી ફાઇનલમાં જગ્યા બનાવી છે અને આ ટીમ 41 વખત ચેમ્પિયન બની છે.