IPLની છેલ્લી લીગ મેચમાં પણ હાર્દિકને થયું મોટું નુકસાન, મોટી ભૂલ કરતાં BCCIએ ફટકાર્યો લાખોનો દંડ

Updated: May 18th, 2024


Google NewsGoogle News
IPLની છેલ્લી લીગ મેચમાં પણ હાર્દિકને થયું મોટું નુકસાન, મોટી ભૂલ કરતાં BCCIએ ફટકાર્યો લાખોનો દંડ 1 - image
Image : IANS

Hardik Pandya Fined: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન સારુ રહ્યું નથી. પાંચ વખતની ચેમ્પિયન ટીમ આ સિઝનની અંતિમ લીગ મેચમાં લખનઉ સુપરજાયન્ટ્સ સામે 18 રનથી હારી ગઈ હતી. આ હાર બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાની પણ ટીકા થઈ રહી છે. ધીમી ઓવર રેટ માટે પંડ્યાને દંડ ફટકારવામાં આવ્યો છે. 

પંડ્યાને 30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો

હાર્દિક આ સિઝનમાં ત્રીજી વખત સ્લો ઓવર રેટના કારણે દોષી સાબિત થયો છે. તેથી તેના પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ ટીમની આગામી મેચમાં રમવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાકીના ખેલાડીઓ અને ઈમ્પેક્ટ પ્લેયરને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. દરેક ખેલાડીને 12 લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 50 ટકા જે ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો છે.

મુંબઈની લખનઉ સામે 18 રનથી હાર થઈ હતી

મુંબઈના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને લખનઉ સુપરજાયન્ટ્સ સામે 18 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં પ્રથમ બેટિંગ કરતા લખનઉની ટીમે નિકોલસ પુરનની જોરદાર ફિફ્ટીની મદદથી 214 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 196 રન જ બનાવી શકી હતી. 

મુંબઈ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી

આ રીતે IPLની 17મી સિઝનમાં 18 રનની હાર સાથે મુંબઈની ટીમની સફરનો અંત આવ્યો. આ સિઝનમાં મુંબઈએ 14માંથી માત્ર 4 મેચ જીતી છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી છે. આ સિઝનમાં મુંબઈ પહેલી એવી ટીમ બની હતી જે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.

મુંબઈ પાંચ વખત ચેમ્પિયન બન્યું છે

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલમાં પાંચ વખત ચેમ્પિયન રહી છે. જોકે, IPL 2024માં બદલાયેલા કેપ્ટનથી ટીમની હાલત ખરાબ થઈ ગઈ હતી. ટુર્નામેન્ટના ઈતિહાસમાં મુંબઈની ટીમ આટલી ખરાબ રીતે ક્યારેય રમી ન હતી.


Google NewsGoogle News