IPL: મુંબઈ ઈન્ડિયન્સે હૈદરાબાદને સાત વિકેટથી હરાવ્યું, હાર્દિકની ટીમની સતત ચોથી જીત
IPL 2025: ટ્રેન્ટ બોલ્ટની ઘાતક બોલિંગ અને રોહિત શર્માની તોફાની બેટિંગના કારણે સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું. આ મુંબઈની સતત ચોથી જીત છે. સનરાઇઝર્સ હૈદરાબાદે પહેલા બેટિંગ કરતા 143 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈએ 15.4 ઓવરમાં માત્ર 3 વિકેટના નુકસાન પર મેચ જીતી લીધી. મુંબઈની ટીમ હવે 9માંથી 5 મેચ જીતી ચૂક્યું છે. મુંબઈએ પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ લગાવી છે.
144 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત સારી ન રહી, પરંતુ રોહિતે આક્રમક વલણ યથાવત રાખશે. મુંબઈએ પાવરપ્લેમાં એક વિકેટ ગુમાવીને 56 રન બનાવ્યા. રોહિત શર્માએ 35 બોલમાં અડધી સદી ફટકારી. 9 વર્ષ બાદ આઈપીએલમાં રોહિતે બેક ટૂ બેક અડધી સદી ફટકારી.
રોહિત શર્માએ 46 બોલમાં 70 રનોની તોફાની ઈનિંગ રમી. હિટમેને 8 ચોગ્ગા અને 3 છગ્ગા લગાવ્યા. સૂર્યકુમારે 19 બોલમાં 40 રનોની અણનમ ઈનિંગ રમી. તેમણે 5 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવ્યા. વિલ જેક્સે 19 બોલમાં 22 રનની ઈનિંગ રમી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં હવે ત્રીજા નંબર પર આવી ગઈ છે. ટીમના નેટ રન રેટ આજે ઘણા સારા થઈ ગયા છે.
આ પહેલા ટોસ હારીને પોતાના ઘર પર પહેલા બેટિંગ કરવા ઉતરેલી SRHની શરૂઆત ખુબ ખરાબ રહી. ટ્રેવિસ હેડ 00, અભિષેક શર્મા 8, ઈશાન કિશન 1, નિતીશ કુમાર રેડ્ડી 2 અને અનિકેત વર્મા 12 રન બનાવીને આઉટ થયા. 35 રનો પર જ હૈદરાબાદે 5 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ હેનરિક ક્લાસેન અને અભિનવ મનોહરે મોરચો સંભાળ્યો અને ટીમની ઈજ્જત બચાવી.
ક્લાસેને 44 બોલમાં 71 રન બનાવ્યા. તેમણે 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા મનોહરે 37 બોલમાં 43 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી. આ બંનેના કારણે હૈદરાબાદનો સ્કોર 140ને પાર પહોંચી ગયો.