ફાઇનલમાં MPને કચડી મુંબઈએ જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી, સૂર્યકુમાર યાદવ-રહાણે જીતના હીરો
Mumbai won Syed Mushtaq Ali Trophy 2024 title : સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024નો ખિતાબ મુંબઈએ જીતી લીધો છે. મુંબઈએ ફાઇનલમાં મધ્યપ્રદેશને 5 વિકેટે હરાવ્યું હતું. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળની મુંબઈની ટીમ માટે સૂર્યકુમાર યાદવ, અજિંક્ય રહાણે અને સૂર્યાંશ શેડગેએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. સૂર્યાંશે 36 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. મધ્યપ્રદેશના કેપ્ટન રજત પાટીદારે અણનમ 81 રન બનાવ્યા હતા. જો કે તે ટીમને ખિતાબ જીતાડી શક્યો ન હતો.
અજિંક્ય રહાણે અને સૂર્યકુમાર યાદવે રમી મહત્ત્વપૂર્ણ ઇનિંગ
મધ્યપ્રદેશે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમ માટે પૃથ્વી શો અને અજિંક્ય રહાણે ઓપનિંગ કરવા આવ્યા હતા. પૃથ્વી કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. તે 10 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. પરંતુ રહાણેએ 37 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તેણે 30 બોલનો સામનો કર્યો અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન શ્રેયસ અય્યર 16 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 2 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. શિવમ દુબે માત્ર 9 રન બનાવીને આઉટ થયો હતો. મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવ ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે 35 બોલનો સામનો કરીને 48 રન બનાવ્યા. જેમાં તેણે 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. જો કે, તે અડધી સદી ચૂકી ગયો હતો.
કેપ્ટન રજત પાટીદારે કર્યું શાનદાર પ્રદર્શન
પહેલા બેટિંગ કરતા આવેલી મધ્યપ્રદેશની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા. જેમાં કેપ્ટન રજત પાટીદારે ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું હતું. 40 બોલનો સામનો કરીને તેણે અણનમ 81 રન બનાવ્યા હતા. આ ઈનિંગ દરમિયાન પાટીદારે 6 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકારાયા હતા. સુભ્રાંશુ સેનાપતિએ 23 રનની ઇનિંગ રમી હતી. તેણે 17 બોલનો સામનો કર્યો અને 2 છગ્ગા માર્યા હતા. વેંકટેશ અય્યર 17 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. જયારે હરપ્રીત સિંહે 15 રનનું યોગદાન આપ્યું હતું.
શાર્દુલ ઠાકુરે અને રોયસ્ટન ડાયસે ઝડપી 2 વિકેટ
ફાઇનલમાં મુંબઈ તરફથી શાર્દુલ ઠાકુરે 2 વિકેટ લીધી હતી. આ સિવાય રોયસ્ટન ડાયસે 3 ઓવરમાં 32 રન આપીને 2 વિકેટ લીધી હતી. જયારે શિવમ દુબે, શ્રેયાંશ શેડગે અને અથર્વને એક-એક વિકેટ ઝડપી હતી.