મને તો લાગ્યું હતું કે ધોની સામેથી કહી દેશે...: શમી અને સહેવાગે ધોનીના સંન્યાસ પર જુઓ શું કહ્યું
IPL 2024: IPL 2024ની RCB-CSKની મેચ ક્રિકેટિંગ લિજેન્ડ મહેન્દ્ર સિંઘ ધોનીની યલો જર્સીમાં છેલ્લી મેચ હોવાની અનેક અટકળો બજારમાં ઉડી રહી છે. ધોની IPLમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે તેવી વાતો તો ઘણા વર્ષોથી ચાલી રહી છે. છેલ્લા બે વર્ષથી લોકો ધોની IPLમાં પણ જોવા નહીં મળે તેવું અનુમાન માત્ર લગાવી રહ્યાં છે પરંતુ ધોની તમામને ખોટા પાડીને ફરી મેદાનમાં ઉતરે છે.
મેન, મિથ અને લિજેન્ડ મહેન્દ્ર સિંહ ધોનીની RCB સામેની મેચ કરિયરની છેલ્લી IPL મેચ હતી, આવી વાત લગભગ દરેક ક્રિકેટ ફેન્સ સુધી પહોંચી ગઈ છે પરંતુ કોઈપણ વ્યક્તિ ભલે ક્રિકેટ ફેન્સ હોય કે પછી દિગ્ગજ પૂર્વ ક્રિકેટર સેહવાગ હોય, કોઈપણ આ વાત પર વિશ્વાસ કરવા તૈયાર નથી.
સેહવાગનું શું માનવું છે ?
RCBvsCSK મેચ પછી આ મુદ્દે Cricbuzz સાથે વાત કરતા વીરેન્દ્ર સેહવાગે કહ્યું કે ‘આપણે છેલ્લા બે-ત્રણ વર્ષથી આ વિષય પર વાત કરીએ છીએ. મેં અગાઉ પણ કહ્યું હતું કે હું એમએસ ધોનીની આ છેલ્લી સિઝન માનું છું અને ઈચ્છતો હતો કે તે હસતો-હસતો જાય પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ આ વર્ષે પ્લેઓફમાં સ્થાન ન મેળવી શકી. જોકે તેણે પોતાના અને CSK માટે શાનદાર ક્રિકેટ રમી છે. આવતા વર્ષે ધોની ફરીથી યલો જર્સીમાં CSK માટે રમતો જોવા મળે તો પણ All The Best અને જો ન આવે તો પણ તેમના ભવિષ્ય માટે All The Best. જોકે મને લાગે છે કે કદાચ આ છેલ્લી મેચ હતી.
શામીએ પણ આપ્યો અભિપ્રાય :
'તમે જેની અપેક્ષા રાખો છો મને નથી લાગતું કે તે આવશે. પણ હા, આ વર્ષે મેં પણ વિચાર્યું કે તેઓ (ધોની) પોતાની રીતે બોલશે. પણ હવે મને નથી લાગતું કે તેઓ બોલશે. જે ફોર્મ ચાલી રહ્યું છે, જે રીધમ છે ધોની તેને ખૂબ એન્જોય કરી રહ્યો છે. અને મને લાગે છે કે જ્યાં સુધી તમે આનંદ માણી રહ્યાં હોવ તમારે રમવું જોઈએ.’
શમીની આ વાત સાંભળીને સેહવાગ પોતાને રોકી શક્યો નહીં અને તેણે ધોનીનો ઉલ્લેખ કરતાં પોતાનું દર્દ પણ શેર કર્યું. વિસ્ફોટક મુલતાન કા સુલતાને કહ્યું કે, ‘વાત સાચી અને સારી છે પરંતુ ફ્રેન્ચાઇઝી ઇચ્છશે ત્યાં સુધી રમશે. જો ફ્રેન્ચાઇઝી તેને દબાણ કરશે તો તે જરૂર રમશે. હું પણ એન્જોય કરી રહ્યો હતો પણ મને કોઈએ આગળ રમાડ્યો જ નહિ. આનંદ અલગ વાત છે. હું એક જનરલ વાત કહું છું કે આનંદ ખેલાડી વિશે છે પરંતુ ઘણી વખત તમને બળજબરીથી કહેવામાં આવે છે કે હવે બહુ થયું, હવે તમે જાઓ પરંતુ ચેન્નાઈમાં આવું નથી. આ ફ્રેન્ચાઈઝી ઈચ્છે છે કે ધોની તેમના માટે રમે કારણકે ધોનીના કારણે ચેન્નાઈની ફેન ફોલોઈંગ શાનદાર છે. ધોની જ્યાં જાય છે ત્યાં માત્ર પીળા કપડા જ જોવા મળે છે. આરસીબી મેચમાં પણ CSK-CSKની બૂમો સંભળાઈ રહી હતી.”
આમ સેહવાગે સ્પષ્ટપણે કહી દીધું કે, તેની ફ્રેન્ચાઈઝીએ તેને નિવૃત્તિ લેવા માટે દબાણ કર્યું હતુ અને એ વાતનો પણ સંકેત આપ્યો કે CSK ઓફિશિયલ્સ ધોનીને આટલી સરળતાથી રિટાયર થવા દેશે નહીં.